Stock Market Closing: ઘટાડા સાથે ખુલેલું માર્કેટ લીલા નિશાન પર બંધ, સેન્સેક્સ 59,200ને પાર
રોકાણકારોએ ખરીદીમાં રસ દાખવતાં શેર માર્કેટ મજબુત થયું હતું અને સેન્સેક્સે પોતાની 59 હજારની સપાટી પાછી મેળવી લીધી હતી.
Stock Market Closing 20 Oct Upate: શેર બજારમાં દિવાળી પહેલાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે શેર બજારનો સૂચકાંક સેન્સેક્સ 300 પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 89 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. જો કે, થોડા જ કલાકોમાં રોકાણકારોએ ખરીદીમાં રસ દાખવતાં શેર માર્કેટ મજબુત થયું હતું અને સેન્સેક્સે પોતાની 59 હજારની સપાટી પાછી મેળવી લીધી હતી. કોરાબારી દિવસ અંત સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર બંધ થયા હતા.
સેન્સેક્સ 59,200ને પાર પહોંચ્યોઃ
બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો સેન્સેક્સ પોતાની 59 હજાર પોઈન્ટની સપાટી મેળવવામાં સફળ રહ્યો છે અને 59,202 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જ્યારે નિફ્ટી 51 પોઈન્ટના વધારા સાથે 17,564ની સપાટી પર બંધ થયો હતો. સવારની સરખામણીએ દિવસ દરમિયાનના કારોબારમાં સેન્સેક્સમાં 560 પોઈન્ટ અને નિફ્ટીમાં 140 પોઈન્ટનો વધારો થયો હતો.
સેક્ટર પ્રમાણે શેર બજારની સ્થિતિઃ
જો બજારમાં જુદા જુદા સેક્ટર પર નજર કરીએ, તો ઓટો, આઈટી, ફાર્મા, એમએફસીજી, મેટલ્સ અને ઓઈલ એન્ડ ગેસ જેવા સેક્ટરના શેરો તીવ્ર ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં ઘટાડો થયો છે. જ્યાં સ્મોલ કેપ શેર્સ વધીને બંધ થયા હતા, તો મિડ કેપ શેર્સ ઘટાડાની સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેરો ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે 15 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર વધ્યા હતા અને 12 શેર ઘટીને બંધ થયા હતા.
આ શેર રહ્યા ટોપ ગેઈનર્સઃ
યુપીએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સ ટોચના નિફ્ટી ગેઈનર્સમાં રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, અપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચડીએફસી બેન્ક ટોપ લુઝર શેર્સ રહ્યા હતા. સેક્ટરમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મેટલ, પીએસયુ બેન્ક, પાવર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓના શેરના ભાવમાં 1 ટકાનો વધારો થયો છે. જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ સ્થિતિમાં બંધ થયા હતા.
અમેરિકાના બજારોની સ્થિતિ
યુએસ શેરબજારમાં આ સપ્તાહની શરૂઆત સુધી ઘણો વેગ જોવા મળ્યો હતો, પરંતુ રોકાણકારો ફરીથી અનિશ્ચિતતામાં ઘેરાઈ ગયા છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી શરૂ કરી છે. તેના કારણે અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ નાસ્ડેકમાં પાછલા સેશનમાં 0.85 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.અન્ય યુએસ બજારો ડાઉ જોન્સ અને એસએન્ડપી 500 પણ દબાણ હેઠળ હતા અને ઘટાડો નોંધાયો હતો.