PolicyBazaar Share: પોલિસી બજારના શેરમાં કેમ બોલ્યો કડાકો ? જાણો શું છે કારણ
PolicyBazaar Share Price: કંપનીના ચેરમેન અને સીઈઓ યશિષ દહિયાએ કંપનીમાં 37.69 લાખથી વધારે શેર વેચવાની યોજના બનાવી છે. જેના કારણે આ કડાકો બોલ્યો છે.
PolicyBazaar Share Drops: ઓનલાઈન ઈન્શ્યોરન્સ એગ્રીગ્રેટર પોલિસી બજારના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે શેર 15 ટકા તૂટ્યો હતો અને તેમાં થોડો સુધારો આવ્યો હતો. જોકે શેરમાં કડાકા પાછળ એક મોટું કારણ છે. કંપનીના ચેરમેન અને સીઈઓ યશિષ દહિયાએ કંપનીમાં 37.69 લાખથી વધારે શેર વેચવાની યોજના બનાવી છે. જેના કારણે આ કડાકો બોલ્યો છે. તેમણે શેર બજારને આ અંગે જાણકારી આપી છે. પોલિસી બજારના જણાવ્યા પ્રમાણે દહિયા આ ડીલ બલ્ક ડીલ હેઠળ કરશે. આ સમાચારને પગલે પોલિસી માર્કેટના શેરમાં ખૂબ જ ઝડપી ઘટાડો નોંધાયો હતો.
જાણો દહિયાનો કંપનીમાં કેટલો હિસ્સો છે
કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 31 માર્ચ, 2022 ના રોજ, દહિયા પાસે કંપનીના 1,90,08,349 (4.23 ટકા) શેર હતા. તે જ સમયે, ઇએસઓપી (એમ્પ્લોયી સ્ટોક ઓનરશીપ પ્લાન) ના 55,09,601 શેર ઉમેર્યા પછી, દહિયાનો મે 2022 સુધીમાં કંપનીમાં કુલ હિસ્સો વધીને 2,45,17,950 (5.45 ટકા) થયો છે.
ફેબ્રુઆરીમાં કંપનીના કો-ફાઉન્ડર આલોક બંસલે પીબી ફિનટેકના 28.5 લાખ શેર 236 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. એનએસઈ પર ઉપલબ્ધ બલ્ક ડીલ ડેટા મુજબ આ ડીલ 825 રૂપિયા પ્રતિ શેરના હિસાબે કરવામાં આવી હતી. મંગળવારે નિફ્ટી પર પોલિસી બજારનો શેર 612 રૂપિયા સાથે ખુલ્યો અને 583 રૂપિયાની નજીક બંધ થયો. ઇન્ટ્રાડે કારોબારમાં એક તબક્કે આ શેર રૂ.557 સુધી તૂટ્યો હતો. જો કે તેની 52 સપ્તાહની નીચી સપાટી 542.30 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ હવે 26,208 કરોડ રૂપિયા થઈ ગયું છે.
આ રીતે અડધી પ્રોપર્ટી થઈ ગઈ સ્વાહા
પોલિસી બજારનો આઈપીઓ ગયા વર્ષે નવેમ્બરમાં આવ્યો હતો. લિસ્ટિંગના દિવસે તેના આઇપીઓ રોકાણકારોને મોટો ફાયદો થયો હતો. આ શેર 1202 પર લિસ્ટ થયો હતો અને વધીને 1448 પર પહોંચ્યો હતો, પરંતુ તે પછી શેરમાં ભારે ઘટાડો થયો હતો. ત્યાર બાદ તેમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે, તેણે તેના રોકાણકારોની અડધી સંપત્તિ ગુમાવી દીધી છે. જણાવી દઈએ કે આઈપીઓમાં આ શેર રોકાણકારોને 980 રૂપિયામાં ફાળવવામાં આવ્યા હતા.
આ ઘટાડા અને કંપની આગળ આવનારા ભવિષ્ય પર જાણકારોનું કહેવું છે કે બજાર નફા વગર વેપાર કરનારી કંપનીઓને સજા આપી રહ્યું છે. તેમનું કહેવું છે કે આટલા ઘટાડા છતાં કંપનીના શેર હજુ પણ મોંઘા છે. તેમણે કહ્યું કે કંપની ખૂબ જ સ્પર્ધાત્મક ઝોનમાં છે.