Work From Home: IT કર્મચારીઓ માટે સારા સમાચાર, 2023 સુધી ઘરેથી કામ કરવાની છૂટ
નોટિફિકેશન મુજબ દેશમાં આ નિર્ણયનો લાભ એવા કર્મચારીઓને મળશે જેઓ અસ્થાયી રૂપે અક્ષમ છે, જેઓ ઓફિસથી દૂર મુસાફરી કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે.
Work From Home IT Companies India: આઈટી સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જે કર્મચારીઓ કોરોના સમયગાળાથી IT કંપની માટે ઘરેથી કામ કરી રહ્યા છે. હવે તેને આગામી વર્ષ 2023 સુધી ઘરેથી કામ કરવાની પરવાનગી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન એટલે કે SEZ નિયમોમાં સુધારો કર્યો છે. જે પછી હાલના IT યુનિટના કર્મચારીઓને ડિસેમ્બર 2023 સુધી સંપૂર્ણપણે ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. સરકારે આ જાહેરાત કરી છે.
નોટિફિકેશન શું છે
કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયે પણ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક યુનિટ તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અથવા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની બહાર કોઈપણ જગ્યાએથી કામ કરવાની મંજૂરી આપી શકે છે. સરકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં IT/ITES યુનિટ્સને અમુક શરતો સાથે 31 ડિસેમ્બર, 2023 સુધી તેમના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે.
આ લોકોને મળશે લાભ
નોટિફિકેશન મુજબ દેશમાં આ નિર્ણયનો લાભ એવા કર્મચારીઓને મળશે જેઓ અસ્થાયી રૂપે અક્ષમ છે, જેઓ ઓફિસથી દૂર મુસાફરી કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. આ સાથે, SEZ એકમના માલિકોએ આ અંગે સંબંધિત ઝોનના વિકાસ કમિશનરને જાણ કરવાની રહેશે અને તેમના મંજૂરી પત્ર હેઠળ પરિસરમાંથી કામગીરી ચાલુ રાખવાની રહેશે. ભવિષ્યમાં ઘરેથી કામ કરવાની પરવાનગી માગતા એકમો WFHની શરૂઆતની તારીખે અથવા તે પહેલાં ઈમેલ દ્વારા સૂચિત કરી શકે છે.
કર્મચારીઓની યાદી બનાવો
સરકારે નોટિફિકેશનમાં કહ્યું કે આ એકમોને એવા કર્મચારીઓની યાદી સબમિટ કરવાની જરૂર નથી કે જેમને ઘરેથી કામ કરવાની અથવા ઝોનની બહાર કોઈપણ જગ્યાએ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમણે યુનિટની અંદર તેની યાદી રાખવી પડશે. કંપનીએ તૈયાર કરવામાં આવી રહેલી પ્રોડક્ટ્સ કે સર્વિસમાંથી નિકાસની આવકનો હિસાબ રાખવો પડશે.