રાજ્યમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ 2.8 ઘટ્યો,1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 9મા લીધો પ્રવેશ
આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની શાળાઓમાં ધો-1 થી 8મા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને 2.8 ટકા થયો છે
ગાંધીનગર: શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના સફળ અમલીકરણથી રાજ્યના વધુ ને વધુ બાળકો સાક્ષર થઇ રહ્યાં છે.શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માનવીનું ઘડતર કરે છે અને શિક્ષિત માનવી પોતાના વ્યક્તિગત વિકાસની સાથે-સાથે પોતાના રાજ્ય અને દેશના વિકાસમાં પાયારૂપ બને છે. રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શાળાકીય શિક્ષણનો વ્યાપ વધે અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, મધ્યાહ્ન ભોજન યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ વગેરે જેવી યોજનાઓનો અસરકારક અમલ થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપે આજે ગુજરાતની શાળાઓમાં ધોરણ 1 થી 8મા સ્કૂલ છોડીને જતા બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટીને ફક્ત 2.8 ટકા જ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકોમાં, સમુદાયોમાં અને સમાજમાં સાક્ષરતાના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન: બિલ્ડીંગ અ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ’ (પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ) ના થીમ સાથે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને ચાલુ વર્ષે 5.5% થયું
ઉલ્લેખનીય છે કે, ધોરણ 8 થી 9મા ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેના પરિણામે ચાલુ વર્ષે ધોરણ 8 થી 9 નો ડ્રોપઆઉટ રેટ ઘટીને 5.5% થયો છે. રાજ્યની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના ડેટાના આધારે ધોરણ 8થી 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ પૈકી વર્ષ 2021-22માં 1.46 લાખ વિદ્યાર્થીઓ અને 2022-23માં 1.11 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયા હતા. તેની સામે ચાલુ વર્ષે ધોરણ 9માં પ્રવેશપાત્ર 10.21 લાખ વિદ્યાર્થીઓ પૈકી ફક્ત 56,000 જેટલા, એટલે કે 5.5% વિદ્યાર્થીઓ જ હાલ ડ્રોપઆઉટ છે, જેમને પણ વિવિધ વિકલ્પો આપી અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા માટે કામગીરી ચાલુ છે. શિક્ષણ વિભાગ અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો ધોરણ 9માં પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. સરકારનો અને શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય માત્ર ધોરણ 9માં પ્રવેશ અપાવી ડ્રોપઆઉટ ઘટાડવાનો નથી. વિદ્યાર્થીઓને અભ્યાસની ઉત્તમ તક મળે અને આગળ જતાં આ તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી શિક્ષણ મેળવે તે માટે ગુજરાત સરકાર લાંબાગાળાના આયોજનથી કામ કરી રહી છે.
‘શાળા પ્રવેશોત્સવ’ ને પરિણામે શાળાઓમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો 100 ટકાએ પહોંચ્યો
ગુજરાતમાં શિક્ષણનો, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણનો જે વ્યાપ વધ્યો છે, તેમાં સૌથી મોટી ભૂમિકા રાજ્ય સરકારના ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમે નિભાવી છે. રાજ્યના દરેક બાળકને શાળાકીય શિક્ષણનો લાભ મળે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્યતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આજે, વર્ષ 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત થયેલા 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી રાજ્યના 9.77 લાખ બાળકોએ આંગણવાડીમાં તેમજ 2.30 લાખ બાળકોએ ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો હતો, જે આ કાર્યક્રમની ભવ્ય સફળતા દર્શાવે છે. આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજ્યની શાળાઓમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો 100 ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતમાં કાર્યરત છે વૈશ્વિક સ્તરનું ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનું દેશનું પ્રથમ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ કાર્યરત છે, જે ભારતનું પ્રથમ રીયલ-ટાઇમ, ઓનલાઈન, સર્વગ્રાહી શાળા શિક્ષણ ડેશબોર્ડ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા અને મશીન લર્નિંગનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે લગભગ 1500 કરોડ ડેટા સેટ્સમાં ચાલતા ડેટાના મોટા સંગ્રહનું AI અને ML નો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ધોરણ 3 થી 12 સુધીના તમામ વિષયોના તમામ લર્નિંગ આઉટકમ્સમાં સિદ્ધિઓનું વિવિધ રાજ્યવાર વિશ્લેષણ આપે છે. ધોરણ 3 થી 12 સુધીના દરેક વિદ્યાર્થી, તમામ વિષયો માટે લર્નિંગ આઉટકમ આધારિત રિપોર્ટ કાર્ડ ઓફર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર થકી અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ રિપોર્ટ કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ શ્રી અજય બંગાએ પણ ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ કહ્યું હતું, “ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમકક્ષ કેન્દ્ર દેશના અન્ય ભાગોમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક મોડેલ તરીકે વિકસાવવાની જરૂર છે.”
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવા ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’
ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રૂ.10,000 કરોડના ખર્ચે રાજ્યમાં ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવામાં આવશે તેમજ બાળકો માટે સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્ટેમ લેબ જેવી અદ્યતન ભૌતિક સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક દ્વારા ફંડિંગ મંજૂર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટેનો આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ છે, અને અંદાજે રાજ્યના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે.
એક સાક્ષર સમાજ સશક્ત રાજ્ય અને દેશનું નિર્માણ કરવા સક્ષમ હોય છે, ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે સઘન પ્રયાસો દ્વારા સુનિશ્ચિત કરી રહી છે કે રાજ્યનો છેવાડાનો માનવી પણ સાક્ષર બને અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે.