Gandhinagar: ગાંધીનગરમાં નબીરાએ દારૂના નશામાં કાર ચલાવી મહિલાને કચડી, પુરાવા નાશ કરવાનો કરાયો પ્રયાસ
Gandhinagar: ગાંધીનગરમાં સોમવારે રાત્રે એક નબીરાએ દારૂના નશામાં ઓવરસ્પીડથી કાર ચલાવી હતી
Gandhinagar: રાજ્યમાં નબીરા સતત બેફામ બની રહ્યા છે અને નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. ગાંધીનગરમાં સોમવારે રાત્રે એક નબીરાએ દારૂના નશામાં ઓવરસ્પીડથી કાર ચલાવી હતી. આ કાર ચાલક પોલીસ અથવા સીઆરપીએફના જવાનનો સંબંધી હોવાની ચર્ચા છે. ગાડી એટલી ઓવરસ્પીડમાં હતી કે કે તેને એક મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત મહિલાને સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. દિલેર ટીપુસિંહ પરમાર નામનો યુવાન કાર ચલાવતો હોવાની માહિતી મળી હતી.
અકસ્માત સર્જનાર કારમાંથી દારૂનો ગ્લાસ મળી આવ્યો હતો. તે સિવાય કારમાંથી પોલીસ લખેલું નેમપ્લેટ પણ મળી આવી હતી. કાર ચાલક દારૂના નશામાં ઓવરસ્પીડથી કાર ચલાવતો હતો. પોલીસની પ્લેટ મુદ્દે ગાંધીનગર પોલીસ મૌન છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે રાત્રે કારમાંથી દારૂનો ગ્લાસ મળી આવ્યો હતો. સવારે ગ્લાસ સહિતની સામગ્રી કારમાંથી ગાયબ હતી.
નબીરાની આ કરતૂત સામે આવતા જ ગાંધીનગરમાં એકઠા થયેલા લોકોમાં ભારે આક્રોશ હતો. જો કે આ અકસ્માતમાં હવે પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. કારણ કે રાત્રે કારમાં પોલીસ લખેલી પ્લેટ હતી જે સવારે ગાયબ થઈ ગઇ હતી. રાત્રે દારૂનો ગ્લાસ હતો પરંતુ સવારે આ ગ્લાસ ગાયબ થઇ ગયો હતો.
ગાંધીનગરમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી આદિવાસી મહિલાને બંને પગે ફ્રેકચર થયું હતું. લીલાબેન તાવિયાડ જમવાનું બનાવી રહ્યા હતા તે સમયે કારે ટક્કર મારી હતી. મહિલા છૂટક મજૂરી કરી પુત્રને સરકારી નોકરી માટે તૈયારી કરાવી રહી છે. બંન્ને પગે મલ્ટીપલ ઇંજરી થતાં સ્વસ્થ થતા ઘણો સમય લાગશે. મહિલાનો પુત્ર વિકેશ તાવિયાડ ગાંધીનગરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે
બીજી તરફ રાજકોટ પોલીસની કામગીરી પર પણ ફરી સવાલ ઉઠ્યા હતા. માધાપર ચોકડી નજીક અકસ્માત સર્જનારને ક્લિનચીટ આપી દેવામાં આવી હતી. પોલીસે કારચાલક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોતી. બંન્ને પક્ષે સમાધાન થઈ ગયુ હોવાનું કહી પોલીસે કાર્યવાહી કરી નહોતી. અકસ્માત સર્જનાર કાર ઈન્કમટેક્સ વિભાગની હોવાથી પોલીસે કાર્યવાહી ન કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.
સ્થાનિક લોકોએ ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરી હતી છતાં પોલીસ દ્ધારા કોઇ તપાસ કરવામાં આવી નહોતી. સામાન્ય માણસને દંડ ફટકારતી પોલીસ ઇન્કમટેક્સ વિભાગની કાર હોવાના કારણે કાર્યવાહી ન કરતી હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકોટના ઇન્કમટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીની ગાડી લઈને ગઈકાલે ડ્રાઇવર નીકળ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો.