Gandhinagar: કલોલમાં કોલેરાનો હાહાકાર, 2 કિમીનો વિસ્તાર જાહેર કરાયો કોલેરાગ્રસ્ત
Cholera Outbreak: જિલ્લા કલેકટરે નોટિફિકેશન દ્વારા કલોલના આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 11 જેટલા કોલેરાના કેસો નોંધાયા છે.
Cholera Outbreak in Kalol, Gandhinagar: ગાંધીનગરના કલોલના અમુક વિસ્તાર ફરી એક વખત કોલેરાની ઝપેટમાં આવ્યા છે. કલોલના જુમ્મા મસ્જીદ, મટવાકુવા બાંગ્લાદેશી છાપાં, અજમન વાડી વિસ્તાર, ગુલિસ્તા પાર્ક સહિત કલોલ નગરપાલિકાનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે નોટિફિકેશન દ્વારા કલોલના આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 11 જેટલા કોલેરાના કેસો નોંધાયા છે, અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.
આ રોગ વિબ્રીઓ કોલેરી નામના બેકટેરિયાથી ફેલાય છે. સામાન્ય રીતે આ બીમારી શરૂઆત સાધારણ ઝાડા, ઉલ્ટીથી થાય છે. પરંતુ જો યોગ્ય સમયે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. કોલેરા પેટના ઇન્ફેક્શનથી થાય છે, તેથી પેટમાં દુઃખાવો અને પેટ ખરાબ થવું તે તેનું પ્રથમ લક્ષણ છે. સંક્રમણના 12 કલાકથી લઇને 5 દિવસની અંદર આ લક્ષણોમાં વધારો થાય છે. જો કે, કેટલાંક કેસમાં આ બીમારીના પ્રારંભિક લક્ષણો સુદ્ધાં જોવા મળતા નથી. 12 કલાકની અંદર પેટ ખરાબ થયા બાદ ગંભીર ડાયરિયા થઇ શકે છે, જેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે, પાણીની ઉણપ સર્જાઇ શકે છે.
કોલેરાના લક્ષણો
- વારંવાર ઉલ્ટીના ઉબકા આવવા
- પાણી જેવી ઉલ્ટી થવી
- ખોરાક પેટમાં ન ટકવો
- જમ્યા બાદ ઉલ્ટી થવી
- ઉલ્ટી સાથે ઝાડા પણ થવા.
- દર્દીની આંખો ઊંડી જતી રહે છે તેમજ દર્દીમાં નબળાઈ આવી જાય છે
કોલેરાથી બચવાના ઘરેલું ઉપાય
નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે.
- આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.
- પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે.
- નારીયેલ પાણી, તાજા લીંબુનો રસની સાથે તેમાં કાકડીના અમુક પાન ઉમેરો અને તેને પીવો. તેને રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ જરૂર પીવો. તેનાથી પણ ફાયદો થાય છે.
- ડુંગળીને પીસીને તેમાં થોડો મરી પાઉડર નાખો અને તેનો અર્ક નિયમિત પીવો. આ પણ કોલેરાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે.