shala praveshotsav: ધોરણ-1મા 2 લાખથી વધુ બાળકોએ મેળવ્યો પ્રવેશ,આગામી સમયમાં રાજ્યમાં બનશે 29 હજાર જેટલા ઓરડા
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ ને મળેલી સફળતા રાજ્ય સરકારના અધિકારીઓ,પદાધિકારીઓ અને શિક્ષકો-વિદ્યાર્થીઓ, વાલીગણ સૌના સહિયારા ટીમવર્કને આભારી હોવાનો સ્પષ્ટ મત દર્શાવ્યો છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ ને મળેલી સફળતા રાજ્ય સરકારના અધિકારીઓ,પદાધિકારીઓ અને શિક્ષકો-વિદ્યાર્થીઓ, વાલીગણ સૌના સહિયારા ટીમવર્કને આભારી હોવાનો સ્પષ્ટ મત દર્શાવ્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,બિપરજોય વાવાઝોડા સામે જે ટીમવર્કની સામૂહિક તાકાતથી ગુજરાત મુકાબલો કરીને હેમખેમ પાર ઉતર્યુ તેવી જ ટીમવર્ક ભાવના શિક્ષણ સેવાના આ યજ્ઞમાં સૌએ દર્શાવી છે તે પ્રસંશનીય છે.
મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ માં સહભાગી થયેલા પદાધિકારીઓ,વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે યોજાયેલી બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા.શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ,મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,આ શાળા પ્રવેશોત્વમાં જે-તે ગામોની કે શાળાઓની મુલાકાત દરમ્યાન અથવા SMC સાથેની બેઠક દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે ઇચ્છનીય છે. આવું ડૉક્યુમેન્ટેશન સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જે-તે શાળાઓમાં ત્રૂટિઓ દૂર કરી સુવિધા-સગવડ આપી સારૂં પરિણામ મેળવવામાં મદદરૂપ થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.તેમણે જણાવ્યું કે,શાળાની મુલાકાતે ગયેલા અધિકારીઓ પોતાના સાચા-સારા અનુભવો વ્યક્ત કરીને ભવિષ્યના પ્રવેશોત્સવ માટે ઉપયોગી મહત્વપૂર્ણ સૂઝાવ આપે તે અપેક્ષિત છે.
આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ ની સફળતા અંગેના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યના ર૭ જિલ્લાઓની ર૭,૩૬૮ પ્રાથમિક શાળાઓમાં આ દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવ અન્વયે ૩૧પ જેટલા વર્ગ-૧-ર ના અધિકારીઓ સહિત ૪૬,૬૦૦ થી વધુ મહાનુભાવોએ શાળાઓની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ,ધોરણ-૧ માં કુલ ર લાખ ૩૦ હજાર બાળકોએ તથા આંગણવાડીમાં ૯ લાખ ૭૭ હજાર પ૧૩ ભુલકાંઓએ પ્રવેશ મેળવ્યો છે.
રાજ્યમાં 12 અને 13 જૂનના રોજ યોજાએલ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ એકબીજા સાથે પોતાના અનુભવ શૅર કરી શકે તે માટે આજે ગાંધીનગર ખાતે આયોજિત બેઠકમાં ભાગ લીધો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 22, 2023
શાળાઓની મુલાકાત દરમ્યાન અને સ્કુલ મેનેજમેન્ટ કમિટી સાથેની બેઠકમાં ધ્યાને આવેલી… pic.twitter.com/aQwyigZyAL
આ પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો માટે ર૩ કરોડ ૬૧ લાખ રૂપિયાની વિવિધ ચીજવસ્તુઓ ભેટ સોગાદો લોકભાગીદારીથી પ્રાપ્ત થઇ છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે શાળા પ્રવેશોત્સવ સાથે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે કરેલા આયોજનની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, રાજ્યની શાળાઓમાં આગામી દિવસોમાં ર૮,૯૭૩ વર્ગખંડોનું પર૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાઇ છે.શાળા પ્રવેશોત્સવને પગલે ગુણોત્સવ અને સ્કૂલ એક્રેડીટેશન પણ રાજ્ય સરકાર કરે છે તેની વિગતો આપતાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં પચાસ ટકાથી ઓછો સ્કોર ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે ૧૧ ટકાનો ઘટાડો થયો છે. પચાસ ટકાથી વધુ સ્કોર ધરાવનારી શાળાઓની સંખ્યા ર૩,૮૮પ થી વધીને ર૮,૯૪૬ થઇ ગઇ છે.પ્રાથમિક શિક્ષણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવે શાળા પ્રવેશોત્સવ-ગુણોત્સવની ઉત્તરોત્તર સફળતાની વિસ્તૃત જાણકારી આ બેઠકમાં આપી હતી.