Congress: વિધાનસભા ચૂંટણીને લઇને કોગ્રેસ એક્શનમાં, રાહુલ અને પ્રિયંકા ગાંધી નવરાત્રીમાં ગુજરાત આવી શકે છે
જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી કે સ્ક્રીનિંગ કમિટીની તમામ બેઠક અમદાવાદમાં જ મળશે. આથી કોઈપણ દાવેદારે દિલ્લી જવાની જરૂર નથી
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાત કોગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાત પ્રવાસ શરૂ કરી દીધા છે. નવરાત્રી દરમિયાન રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સાથે ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
નવરાત્રી દરમિયાન કૉંગ્રેસના નેતાઓ માતાજીની આરાધનામાં ભાગ લઈ શકે છે. આ માટે પ્રદેશ કૉંગ્રેસ તરફથી તૈયારી કરાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાનગરોમાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી ગરબા કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
બીજી તરફ કોગ્રેસ વિધાનસભા ચૂંટણીને લઇને એક્શન મોડમાં આવી ગયો છે. મિશન ગુજરાત માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. સોમવારે મળેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જેઓ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માગે છે તેઓ 12 સપ્ટેમ્બર સુધીમાં પોતાનો બાયોડેટા જિલ્લા સમિતિને મોકલી શકે છે.
15 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા સમિતિ પ્રદેશ સમિતિને દાવેદારોના બાયોડેટા મોકલી દેશે ત્યારબાદ 21 થી 23 તારીખે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. આમ ઉમેદવાર પસંદગીનો કાર્યક્રમ 23 સુધીમાં પૂર્ણ થશે. આજે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફ્રરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના સીટિંગ ધારાસભ્યોએ બાયોડેટા આપવાનો રહેશે નહીં.
જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી કે સ્ક્રીનિંગ કમિટીની તમામ બેઠક અમદાવાદમાં જ મળશે. આથી કોઈપણ દાવેદારે દિલ્લી જવાની જરૂર નથી. ઉમેદવારની પસંદગીની તમામ પ્રક્રિયા અમદાવાદમાં જ થશે.કૉંગ્રેસને ડર સતાવી રહ્યો છે કે, ઉમેદવાર જાહેર થતાં જ ક્યાંક પાર્ટીમાં કંકાસ શરૂ ન થાય. આ માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ડેમેજ કંટ્રોલ ટીમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી એક મહિનામાં તમામ વિધાનસભા બેઠક દીઠ ડેમેજ કંટ્રોલ કમિટી બનાવાશે. સાથે જ તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ પણ ડેમેજ કંટ્રોલ કમિટી રચાશે.
ડેમેજ કંટ્રોલ કમિટીમાં ચૂંટણી લડવા ન માગતા હોય તેવા આગેવાનોને સભ્યો બનાવાશે. જેઓ પક્ષને થનારા નુકસાનને અટકાવશે. સાથે જ કોઈ નારાજ થઈ પક્ષ છોડી ન જાય તે માટે કાર્યરત રહેશે.પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે તો ચેતવણી આપી કે સમર્થકોનું ટોળું લઈ ટિકિટ માટે કોઈએ રજૂઆત કરવા આવવું નહીં. જો ટિકિટ માટે કોઈ દબાણ કરશે તો તેને ટિકિટ મળતી હશે તો પણ નહીં આપવામાં આવે.