Gandhinagar: મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યા સુધી દોડશે મેટ્રો
મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ગાંધીનગરઃ મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સવારના સાતથી રાત્રે દસ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. 30 જાન્યુઆરીથી નવા સમય મુજબ મેટ્રો ટ્રેન દોડશે. હાલમાં સવારના નવથી રાત્રીના આઠ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલે છે. મેટ્રો ટ્રેનની ફિક્વન્સી પણ દર 15 મિનિટની કરવામાં આવી છે. 30મી જાન્યુઆરીથી દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.
Patan: ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો વિગત
Patan News: ગુજરાત સહિત હાલ દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીથી રક્ષણ મેળવવા ઘણા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન પાટણમાં ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરમાં તાપણું કરતી વખતે બે લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. નેશનલ હાઇવે ની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો દાઝ્યા હતા. તાપણું કરતી વખતે આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે તાપણું કરી રહેલા બે ઈસમો આગની લપેટમાં આવતા તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરાયા હતા.
રાજ્યમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો, હજુ આટલા દિવસ રહેશે ઠંડીનું જોર
ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.
નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. અમદાવાદમાં 7.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું
અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો 2016માં 25 જાન્યુઆરીના રોજ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.આજે અને આવતીકાલે પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીને આસપાસ રહેશે. 19 જાન્યુઆરીથી 3થી ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે