Gandhinagar: ગાંધીનગરના લિહોડામાં બે મૃતકોએ દારૂ પીધો હોવાનો ખુલાસો, પોલીસે પાંચની કરી અટકાયત
Gandhinagar: ગાંધીનગરમાં શંકાસ્પદ મોતને લઈને એસપીએ કહ્યું હતું કે ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો દાવો છે
Gandhinagar: ગાંધીનગરના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા હતા. કાનજી ઉમેદસિંહ અને વિક્રમસિંહ રંગતસિંહનું મોત થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી.
ગાંધીનગરમાં શંકાસ્પદ મોતને લઈને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો દાવો છે. પ્રતાપસિંહ નામના બુટલેગર પાસેથી મૃતકોએ દારૂ પીધો હોવાનો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડની આશંકાએ પોલીસે 10 ટીમો બનાવીને ગામમાં તપાસ કરી હતી.
પોલીસે પાંચની કરી અટકાયત
દારૂ પીતા લિહોડાના પાંચ વ્યક્તિ સારવાર હેઠળ છે. તમામની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જેમાંથી એક દર્દીને આઈસીયુમાં સારવાર અપાઇ રહી છે.
એસપીએ કહ્યું હતું કે FSLના રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી મળી આવી નથી. પ્રતાપસિંહ નામના બુટલેગર પાસેથી મૃતકોએ દારૂ લીધો હતો. ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો દાવો છે. 10 ટીમો બનાવી પોલીસે ગામમાં તપાસ કરી હતી. પોલીસે ચાર ગુના દાખલ કરી પાંચ આરોપીની અટકાયત કરી છે.
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં લિહોડા ગામના સરપંચ અજીતસિંહે કહ્યુ હતું કે બે લોકોના મોત થયા છે અને હજુ પણ એક વ્યક્તિની હાલત ગંભીર છે. સરપંચે કબૂલાત કરી હતી કે મૃતકો દારૂ પીવાની લત ધરાવતા હતા પણ ગામમાં દારૂ મળતો નથી. ઉત્તરાયણના દિવસે જ નહીં નિયમિત પણે દારૂ પીવાના વ્યસની હતા. ગામમાં ઘટનાના પગલે બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. કાનજી ઉમેદસિંહ ઝાલા અને વિક્રમ રંગતસિંહ નામના બે લોકોના મોત થયા છે. સરપંચે સ્વીકાર કર્યો હતો કે ગામમા કુલ 2400 થી 3000 ની વસ્તી છે.
લિહોડા ગામના મૃતક વિક્રમના ઘર પર એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. 36 વર્ષીય વિક્રમસિંહની દારૂની લતના કારણે બે બાળકોએ પિતા ગુમાવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહ પરિવારજનોને સોંપાયા હતા. મૃતક વિક્રમસિંહના પિતા રંગતસિંહે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પુત્રને પીવાની આદત હતી પણ ક્યાંથી પીધું તે અંગે તેઓ અજાણ છે. તેમણે કહ્યું કે અમે ખેતરે ગયા હતા અને સાંજે 5 કલાકે વિક્રમની તબિયત લથડી હતી. પરત આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારમાં ત્રણ ભાઈઓ છે અને વિક્રમને બે પુત્રો છે.
ગાંધીનગરના દહેગામના પનાના મુવાડા ગામમાં કાનજી ઝાલાના મોત બાદ ગામના સરપંચ અને પિતરાઈ ભાઈ માનસિંહ ઝાલાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કાનજીએ ઉત્તરાયણના દિવસે દેશી દારૂ પીધો હતો. પીધા બાદ તબિયત લથડી હતી અને મોઢામાં ફીણ આવ્યા હતા.