કોરોના સારવારમાં ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની આયાત પર લાગતાં ટેક્સને લઈ રૂપાણી સરકારે શું કર્યો મોટો નિર્ણય ?
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણે (Gujarat Coronavirus Cases) કહેર મચાવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 14 હજારથી વધુ કેસ નોંધાય છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી (IGST) વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સીજન, ઑક્સિજન સિલીન્ડર, ઑક્સીજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસીવીર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પીટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પીટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને તેનું ભારણ આયાતકાર પર આવશે નહિ.
રાજ્યમાં કોવિડ-૧૯ (Covid-19) કેસોની સંખ્યામાં અચાનક ઘણો વધારો થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઑક્સીજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સીન, દવાઓ વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતાં મોટી સંખ્યામાં કોર્પોરેટ કમ્પનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રી અને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવેલ છે. ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય કર્યો છે.
શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૧૪,૬૦૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાં ૨૩-૨૩ સહિત કુલ ૧૭૩ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૫,૬૭,૭૭૭ જ્યારે કુલ મરણાંક ૭,૧૮૩ પર પહોંચ્યો છે. આ પૈકી એપ્રિલ મહિનામાં જ ૨,૬૦,૦૭૯ કેસ નોંધાયા છે જ્યારે ૨,૬૬૪ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ ૧,૪૨,૦૪૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.
અત્યાર સુધી કુલ ૪,૧૮,૫૪૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને ૭૩.૭૨% રીક્વરી રેટ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૬૯,૩૫૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૭૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૨૭,૭૩૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.