(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat New Cabinet : 27 તારીખ સુધી નવા મંત્રીઓને પોતાના વિસ્તારમાં ન જવા સૂચના
પ્રદેશ નેતાગીરી દ્વારા નવા મંત્રીઓને 27મી સપ્ટેમ્બર સુધી પોતાના વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગરઃ આજે નવા મંત્રીમંડળની શપથવિધિ પૂરી થઈ છે અને થોડીવારમાં નવા મંત્રીઓના ખાતાની વહેંચણી પણ થઈ જશે. ત્યારે પ્રદેશ નેતાગીરી દ્વારા નવા મંત્રીઓને 27મી સપ્ટેમ્બર સુધી પોતાના વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફી ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સીએમના નેતૃત્વના તમામ સાથીઓએ શપથ લીધા છે. ગુજરાતની નવી મંત્રીમંડલને શુભકામનાઓ. ભાજપ આજે આખા દેશની મોટી પાર્ટી છે. પીએમના નેતૃત્વમાં સતત ગુજરાતમાં વિકાસના કાર્ય થઈ રહ્યા છે. અમારી પરંપરા અને ગતિશીલતા સાથે કામ થાય છે. નવા નેતૃત્વને પણ વિસ્તાર આપવો પક્ષની નવી પરંપરા છે. સંગઠન અને સરકારનો સમનવય રહે એ ખૂબ જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે, ભાજપ પાર્ટી હમેશા આગળ વધનારી પાર્ટી છે. ગુજરાત પ્રેરણા છે, પ્રયોગશાળા નથી. જુના મંત્રીઓ સાથે હતા મંચ પર હતા. બધાએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે. નવા નેતૃત્વને આગળ વધારવાનો તમામનો નિર્ણય હતો. નવું નેતૃત્વ જરૂરી છે. નવી ટીમ માટે મને લાગતું નથી કોઈ પડકાર ઉભા થાય. કલ્યાણકારી યોજનાઓ સીએમ રૂપાણી દ્વારા પુરી પાડવામાં આવી જ છે. 2022માં અમે બહુમતીથી જીત મેળવીશું.