(Source: ECI/ABP News/ABP Majha)
Lumpy Virus : રાજયના 17 જિલ્લાના 1746 ગામોમાં પશુઓ લમ્પી સંક્રમિત, 50,328 પશુઓને સારવાર અપાઈ
Lumpy Virus in Gujarat : નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું. હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ.
GANDHINAGAR : કૃષિ અને પશુપાલન મંત્રીશ્ રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપીને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. એટલે પશુપાલકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે તૈનાત છે.
રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ
કૃષિ અને પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે
અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી
મંત્રીએ ઉમેર્યું કે, રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે.
રાજ્યમાં 1240 પશુઓના મોત
તેમણે ઉમેર્યું કે,અત્યાર સુધી રાજયમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.
17 જિલ્લાઓમાં પશુપાલન વિભાગ ખડેપગે
મંત્રીએ ઉમેર્યું કે,આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણ ની કામગીરી ચાલુ છે. વધારાના 298 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુદવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે.