સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
વસ્ત્રાપુરના રહેવાસીનો રિપોર્ટ પોઝિટિવ, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં, હાલત સ્થિર.
HMPV case Ahmedabad: અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો બીજો કેસ નોંધાયો છે. વસ્ત્રાપુરના રહેવાસી એવા ૮૦ વર્ષીય પુરુષનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દર્દી બુધવારના રોજ સારવાર માટે દાખલ થયા હતા. પૂછપરછ દરમિયાન તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી, એટલે કે તેઓ તાજેતરમાં કોઈ અન્ય સ્થળે પ્રવાસ કરીને આવ્યા નથી. હાલમાં દર્દીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલાં પણ અમદાવાદમાં HMPVનો એક કેસ નોંધાયો હતો, જેના પછી આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. HMPV એક શ્વસન સંબંધી વાયરસ છે, જે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોથી રક્ષણ મેળવવા માટે શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે:
શું કરવું:
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું:
- જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.
- ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
HMPV વાયરસનો પ્રથમ કેસ ચીનથી શરૂ થયો હતો. ત્યારબાદ, મલેશિયા અને અન્ય ઘણા દેશોમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. ચીનમાં HMPV સંક્રમણના કેસો વધી રહ્યા છે. ૨૦૨૪માં દેશમાં HMPVના ૩૨૭ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૩ના ૨૨૫ કેસ કરતાં ૪૫% વધુ છે. મલેશિયાની સરકારે પણ તેના નાગરિકોને માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો....
HMPV બાદ હવે ચીનમાં Mpox વાયરસના નવા સ્ટ્રેનથી ખળભળાટ, વિશ્વ આરોગ્ય સંસ્થા ચિંતિત