TALATI STRIKE : તલાટીઓની હડતાલ સમેટાઈ, સરકારે 5 માંથી 4 માંગણીઓ સ્વીકારી
GANDHINAGAR NEWS : રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ તલાટી મંડળની હડતાલ સમેટાઈ છે.
GANDHINAGAR : રાજ્યમાં ચાલી રહેલી તલાટીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે અને આ હડતાલ સમેટાઈ છે. ગુજરાત સરકારે તલાટીઓની 5 માંથી 4 માંગણીઓ સ્વીકારી છે, જેને લઇ તેઓ હડતાલ કરી રહ્યાં હતા. બાકી રહેલી એક માંગણી મુદ્દે સમિતિની રચના કરવામાં આવશે અને ત્યાર બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક બાદ તલાટી મંડળની હડતાલ સમેટાઈ છે.
2 ઓગષ્ટથી શરૂ થઇ હતી તલાટીઓની હડતાળ
તલાટીઓની પડતર માંગોને લઈને તલાટી મંડળે ગત તારીખ 2 ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી હતી. આ હડતાલમાં રાજ્યભરના 8500થી વધુ તલાટીઓ જોડાયા હતા. તલાટી મંડળે દાવો કર્યો હતો કે સરકારે આજથી 9 મહિના પહેલા તમામ [પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાત કરી હતી, જો કે આ વાતને 9 મહિના વીતી જવા છતાં એક પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું ન હતું.
તલાટીઓએ પંચાયતને લગતી તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો
હડતાળમાં જોડાયેલા તમામ તાલટીઓએ રાજ્યભરમાં પંચાયતને લગતી તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો જેથી વિવિધ અરજદારોને વિવિધ દાખલાઓ, સર્ટિફિકેટ કઢાવવા ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. હવે આ હડતાળ સમેટાઈ જતા આવતીકાલથી તલાટીઓ પંચાયત હસ્તકના તમામ કામો શરૂ કરશે.
સોજીત્રા અકસ્માત મામલે કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈની અટકાયત
આણંદના સોજીત્રામાં ગત 11 ઓગષ્ટે સર્જાયેલા ટ્રિપલ અકસ્માત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોજીત્રાના ડાલી ગામે અકસ્માત મામલે કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયારની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોજીત્રાના ડાલી ગામે ગત 12 ઓગષ્ટે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢીયાર નશામાં ધૂત થઈને કાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢીયાર સામે માનવવધ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આણંદ જિલ્લાના સોજીત્રામાં અકસ્માતની મોટી ઘટના બની હતી. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. સોજીત્રાના ડાલી ગામ પાસે કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં 3 સભ્યો એક જ પરિવારના હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.