C.R. પાટિલનો સપાટોઃ ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતાને 6 વર્ષ માટે પક્ષમાંથી કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?
પાટિલે આ નિર્ણય લઈને મેસેજ આપ્યો છે કે, ભાજપની નેતાગીરી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી સેવા નથી માંગતી.
અમદાવાદઃ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કડક પગલું ભરીને અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભિલને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જશુભાઈ ભિલની ભ્રષ્ટાચારમાં સંડોવણીના પગલે પાટિલે આ નિર્ણય લઈને મેસેજ આપ્યો છે કે, ભાજપની નેતાગીરી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી સેવા નથી માંગતી.
ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભિલનો એક વિડિયો વાયરલ થયો હતો. જશુભાઇ ભીલે યુવાનને કંડક્ટરની નોકરી આપવા માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મારી પાસે પણ તે વિડિયો આવ્યો છે.
તપાસ કરતા કંડક્ટરની નોકરી માટે પૈસા લીધાનું જણાય છે. વિડિયો અંગે દાળમાં કંઇક કાળું છે તે નક્કી છે. ગુજરાતની ભાજપ સરકાર સેટિંગ જ કરે છે. વચેટિયાઓ બધું ફાઇનલ ન કરે ત્યાંસુધી ભરતી થતી નથી. જ્યાં ભાજપના વચેટિયાઓનું સેટિંગ ના થાય તે પેપર ફૂટી જાય છે. ભાજપ યુવાનોને બેરોજગાર બનાવવાનું કારખાનું છે. ગરીબ છોકરા પાસેથી લીધેલા પૈસા પાછા આપવા જોઈએ, તેમ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરાામ રાઠવાએ જણાવ્યું હતું