સૌરાષ્ટ્રના ડેમ તળિયા ઝાટક, 141 ડેમમાં માત્ર 29.37 ટકા પાણી, દ્વારકા જિલ્લામાં સૌથી વધારે ગંભીર સ્થિતિ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ભરઉનાળે સૌરાષ્ટ્રમાં સર્જાયું છે જળસંકટ. સ્થિતિ એ છે કે, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ માત્ર 29.37 ટકા જ પાણીનો જથ્થો છે. 30 એપ્રિલે 35.86 ટકા પાણી હતું. જે 15 દિવસમાં સાડા 6 ટકા ઘટી ગયું છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં હાલ ફક્ત 3 ટકા જ પાણીનો જથ્થો છે.
બોટાદ જિલ્લાના જળાશયોમાં 7.65 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 19.53 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 16.90 ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આસપાસનાં ક્ષેત્રોમાં પીવાના પાણી માટે પોકાર ઊઠ્યો છે. ગુજરાતમાં અત્યારે ડેમોમાં પાણી મામલે સારી સ્થિતિ દક્ષિણ ગુજરાતની છે, જેના 13 ડેમમાં 54.25 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 52.06 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.50 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો ગરમીને પગલે અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બે દિવસ બાદ રાજ્યભરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
સોમવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 43.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. તો પાટનગરમાં ગરમીનો પારો 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો સુરેંદ્રનગરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ.
કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ભાવનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 40.1 ડિગ્રી સુધી પહોંચ્યુ હતુ. તો ડિસા, વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.