15 દિવસમાં જ 15% જળાશયો ભરાયા, ગત વર્ષની સરખામણીએ 54 ટકા ઓછો વરસાદ
સપ્ટેમ્બર માસમાં 20 દિવસમાં જ 11 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો.
રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં 15 દિવસમાં વરસેલા વરસાદના કારણે જળાશયો 15 ટકા ભરાયા છે. અત્યાર સુધી સરેરાશ 76% વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ થઇ ગયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ 54% ઓછો વરસાદ છે. ગત વર્ષે મધ્ય ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં 100%થી વધારે વરસાદ થઇ ગયો હતો.
રાજ્યના જળાશયોમાં 15 દિવસમાં જ 15 ટકા ડેમો ભરાઈ ગયા છે. જેમાં 102 જળાશયમાં 70 ટકા અને 51 ડેમ 100 ટકા ભરાયા છે. સૌરાષ્ટ્રમાં 48 ડેમ, દક્ષિણમાં 3 ડેમ ફૂલ થઈ ગયા. જ્યારે ઉત્તર-મધ્યમાં એક પણ ડેમ ભરાયા નહીં. આ સાથે જ જળાશયોમાં કુલ સરેરાશ જળસંગ્રહ 67 ટકાને પાર થઈ ચૂકયો છે.
સપ્ટેમ્બર માસમાં 20 દિવસમાં જ 11 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો. રાજ્યના 36 જળાશયમાં હજુ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે. 6 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. 100 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ છે.
112 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ જ્યારે 33 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ છે. જળાશયોમાં હાલમાં 67 ટકા જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણી સંગ્રહ ઓછો છે.
રાજ્યના કુલ જળસંગ્રહ 25 હજાર 244 મિલીયન ક્યુબીક મીટર સામે 22 હજાર 398 મિલીયન ક્યુબિક મીટર સંગ્રહ છે એટલે કે 88 ટકા સંગ્રહ 18 મુખ્ય જળાશયોમાં થયો. આ 18 જળાશય પૈકી 11 જળાશયોમાં જ 50 ટકાથી વધુ પાણી છે.
જૂન મહિનામાં 5 ઇંચ, જુલાઇમાં 7 ઇંચ જ્યારે ઑગસ્ટમાં માત્ર 2.5 ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 20 દિવસમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 102 જળાશયો 70%થી વધારે ભરેલા છે, 51 સંપૂર્ણ ભરેલા જ્યારે 36 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે.