BOTAD: બોટાદના બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી હાહાકાર, 18ના મોત, 20થી વધુ લોકો સારવાળ હેઠળ
મૃતકોએ નભોઈ ચોકડીથી લઠ્ઠો લીધો હતો. ઝેરી દારૂ પીધા બાદ એક બાદ એક લોકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.
બોટાદના બરવાળાના રોજિંદ ગામમાં લઠ્ઠાકાંડથી હાહાકાર મચી ગયો છે. ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો હજુ પણ અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે.
આ કેસમાં અત્યાર સુધી 5 લોકોને રાઉંડઅપ કરવામાં આવ્યા છે અને 20 લોકોની પૂછપરછ ચાલી રહી છે. મૃતકોએ નભોઈ ચોકડીથી લઠ્ઠો લીધો હતો. ઝેરી દારૂ પીધા બાદ એક બાદ એક લોકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.
ઘટનાની જાણ થતાં જ રેંજ આઈજી સહિત ઉચ્ચ અધિકારીઓ બોટાદ પહોંચ્યા હતા. ઘટનાના પગલે તાત્કાલિક અસરથી પોલીસે દારૂ વેચનારની ધરપકડ કરી છે તો મોડી રાતે રાજુ નામના વ્યક્તિની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. લાંભા પાસેથી ધરપકડ કરવામા આવી હતા.
આ વ્યક્તિએ કેમિકલ સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યું છે અને બરવાળાના ચોકડી ગામના શખ્સને રાજુએ કેમિકલ આપ્યાનો ખુલાસો પણ થયો છે. આ સમગ્ર કેસને લઈ DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.
સ્થિતિને કાબૂમાં લેવા અને જરૂરી મદદ તાત્કાલિક પહોંચાડવા માટે રોજિંદ ગામે પોલીસ પણ સ્ટેન્ડ બાય કરાઈ છે. આ સંભવિત લઠ્ઠાકાંડની જાણ થતા જ રેન્જ આઇજી પણ હોસ્પિટલમાં પહોંચ્યા છે. આ સિવાય નાયબ કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદાર રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા છે.
ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.