ખેડા પાલિકાનું 2 કરોડનું વીજ બીલ બાકી, 3 દિવસનું અલ્ટીમેટમ, શહેરમાં છવાશે અંધારપટ
વીજ કંપની દ્વારા ખેડા પાલિકાને નોટિસ આપવામાં આવી છે. બે કરોડ કરતા પણ વધુ રકમ બાકી હોવાથી વીજ કંપની દ્વારા 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ખેડા: વીજ કંપની દ્વારા ખેડા પાલિકાને નોટિસ આપવામાં આવી છે. બે કરોડ કરતા પણ વધુ રકમ બાકી હોવાથી વીજ કંપની દ્વારા 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. વીજ બિલ નહિ ભરવામાં આવે તો પ્રથમ સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપવામાં આવશે.
ખેડા પાલિકાએ વીજ કંપનીમાં 2 કરોડ કરતા પણ વધુ લાઈટ બિલની રકમની ભરપાઈ ન કરતા વીજ કંપની દ્વારા ખેડા પાલિકાને નોટિસ આપવામાં આવી છે. આ નોટીસમાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં આપની બાકી નીકળતી રકમ ભરપાઈ કરવામાં આવે અન્યથા જો આપ નિષ્ફળ જશો તો હવે પછી વધારાની કોઈપણ નોટિસ આપ્યા વગર સ્ટ્રીટલાઈટના જોડાણ કાપવામાં આવશે.જેને કારણે ખેડા શહેરની પ્રજાને પડતી હાલાકીના જવાબદાર નગરપાલિકા ખેડાની રહેશે તેની ગંભીરતાથી નોંધ લેશો તેમ જણાવ્યું હતું.
ખેડા નગરપાલિકા દ્વારા આગામી ત્રણ દિવસમાં ખેડા પાલિકા દ્વારા વિજબીલની રકમ ભરપાઈ કરવામાં નહિ આવે તો ફરી પાછો ખેડામાં રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જશે તો નવાઈ નહિ. હાલમાં ખેડા પાલિકામાં આવેલા ચીફ ઓફિસર દ્વારા પાલિકાના વેરા વસુલાત માટે ઢોલ નગારા સાથે ખેડા પાલિકાનો સ્ટાફ નીકળ્યો હતો.હવે લાગી રહ્યું છે કે ફરી એક વખત વેરા વસુલાત માટે ઢોલ નગારા ફરી વાગશે.
મંદિરમાં ચોરી, એકલતાનો લાભ લઇ ચોર હનુમાનજીનું સવા કિલોનું છત્ર અને ચાંદીનો મુગટ ઉઠાવી ગયો
અમરેલી જિલ્લામાંથી થયેલી ચોરીએ જોરદાર ચર્ચા જગાવી છે, આ વખતે ચોરી કોઇના ઘરમાંથી નહીં પરંતુ હનુમાનજી મંદિરમાંથી થઇ છે, માહિતી મળી છે કે, સાવરકુંડલા નજીક આવેલ હનુમાન દાદાના મંદિરમાં ગઇરાત્રે ચોરો ત્રાટક્યા હતા અને છત્ર અને મુગટની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા હનુમાન દાદાના મંદિરમાં ગઇ રાત્રે ચોરીની ઘટના ઘટી છે, આ ઘટના બાદ ચોરોને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે. સાવરકુંડલાના ભુવા રૉડ ઉપર આવેલ મોખરા હનુમાન દાદાના મંદિરમાં આ ચોરી થઇ છે, ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. એક યુવક મંદિરમાંથી સવા કિલોનું ચાંદીનું છતર તેમજ 800 ગ્રામ ચાંદીના મુગટની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસે આ ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.