Gujarat Rain Forecast: આગામી સાત દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદનું અનુમાન છે.
Gujarat Rain Forecast:આગામી સાત દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 67, ઉત્તર ગુજરાતમાં 65 તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 60 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 45 તાલુકામાં વરસી ચૂક્યો છે 40 ઈંચથી વધુ વરસાદ.. 101 તાલુકામાં 20થી 40, 98 તાલુકામાં 10થી 20, તો સાત તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે.મૂશળધાર વરસાદથી કચ્છ-સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. કપાસ,સોયાબીન, મગફળી, મકાઈ સહિતના પાકો ધોવાતા ખેડૂતોને મોટાપાયે આર્થિક નુકસાન પહોંચ્યાનો અંદાજ છે.
સારા વરસાદથી રાજ્યના 206 પૈકી 125 જળાશયો હાઈએલર્ટ પર છે, એલર્ટ 20 એલર્ટ પર છે , તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી ભરાયા છે. રાજ્યના 207 પૈકી 61 જળાશયો ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 46, કચ્છના 10, તો દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. રાજ્યના 206 જળાશયોમાં 67.87 ટકા જળસંગ્રહ છે.
છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો છે. 33 હજાર 384 ક્યુસેક પાણીની આવક સાથે સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 129.97 મીટર પર પહોંચી છે. ડેમમાંથી હાલ પાંચ હજાર 244 ક્યુસેક પાણીની જાવક છે. ડેમમાં હાલ 72.84 ટકા જળસંગ્રહ છે.
દાહોદમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. આ જિલ્લામાં ધોધમાર વરસાદન પડ્યો, દાહોદ જિલ્લામાં સિંગવડ, રડીયાતી, છાપરી, જેકોટ, રાબડાલ, ઉસરવાણ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, આ.. જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મહેસાણામાં વરસાદના કારણે પાણીની આવક થતાં ધરોઈ ડેમમાંથી બે દરવાજા ખોલી 9 હજાર ક્યૂસેક પાણી છોડાયુ હતું. સાબરમતી નદીનું લેવલ જાળવી રાખવા વાસણા બેરેજના પણ દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાંથી 2 હજાર 500 ક્યૂસેક અને વાસણા બેરેજમાંથી 5 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.