અમદાવાદ પ્લેન ક્રેશ: ટેકઓફથી ક્રેશ સુધીના ભયાનક દ્રશ્યો CCTV ફૂટેજમાં કેદ, આઘાતજનક વીડિયો સામે આવ્યો
એર ઈન્ડિયાના વિમાન AI-૧૭૧ માં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન; એક વ્યક્તિ બચી ગયો હોવાના અહેવાલ.

Air India plane crash video footage: આજે બપોરે અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ટેકઓફથી લઈને ક્રેશ સુધીની સંપૂર્ણ ઘટનાને કેદ કરે છે. આ વીડિયો ફૂટેજ અકસ્માતની ભયાવહતા દર્શાવે છે અને તે જોઈને સૌ કોઈ આઘાતમાં સરી પડ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં શું જોવા મળ્યું?
સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એરપોર્ટ પરથી વિમાન સામાન્ય રીતે ટેકઓફ થાય છે. થોડા અંતર સુધી ઉડાન ભર્યા પછી, પ્લેન અચાનક નીચે પડવા લાગે છે. ત્યારબાદ થોડા અંતર સુધી આગળ વધ્યા પછી, તે ધડાકાભેર ક્રેશ થાય છે. ક્રેશ થતાં જ આગના વિશાળ વાદળ આકાશને ઘેરી લે છે, જે ઘટનાની ગંભીરતા સૂચવે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: ટેકઓફથી ક્રેશ સુધીના ભયાનક દ્રશ્યો CCTV ફૂટેજમાં કેદ, આઘાતજનક વીડિયો સામે આવ્યો#planecrash pic.twitter.com/sHwiTpEyjj
— ABP Asmita (@abpasmitatv) June 12, 2025
દુર્ઘટનાની વિગતો
આ દુર્ભાગ્યપૂર્ણ વિમાન AI-૧૭૧ માં કુલ ૨૪૨ લોકો સવાર હતા. આ ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હોવાની પુષ્ટિ થઈ છે. જોકે, આ ભયાવહ દુર્ઘટનામાંથી એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના: '૨૪૧ના મોત, પણ એક વ્યક્તિ જીવિત!' પોલીસ કમિશનરનો દાવો
બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું, જેમાં ભયાનક જાનહાનિ થઈ છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP) ના અહેવાલ મુજબ, વિમાનમાં સવાર તમામ ૨૪૧ લોકોના મોત થયા છે. જોકે, આ આઘાતજનક સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાંથી એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો છે, અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મૃતદેહોની ઓળખ માટે DNA નમૂનાની અપીલ
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે વિમાનમાં સવાર લોકોના સંબંધીઓને મૃતદેહોની ઓળખ માટે DNA નમૂના આપવા અપીલ કરી છે. ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ પરીક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી, મુસાફરોના પરિવારજનો અને નજીકના લોકો, ખાસ કરીને તેમના માતાપિતા અને બાળકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના નમૂનાઓ સ્થળ પર સબમિટ કરે જેથી પીડિતોની ઓળખ શક્ય તેટલી વહેલી તકે થઈ શકે."
સ્થાનિક લોકો અને બચાવ કામગીરી
આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો ઉપરાંત, જ્યાં વિમાન ક્રેશ થયું તે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રહેણાંક સંકુલ (હોસ્ટેલ) ને પણ ભારે નુકસાન થયું છે. ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ક્રેશ થયેલા વિસ્તારના લગભગ ૫૦ જેટલા સ્થાનિક લોકો પણ ઇજા પામ્યા છે, જેમમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારતીય સશસ્ત્ર દળોની ટીમો, NDRF અને અન્ય એજન્સીઓ બચાવ કાર્યમાં લાગી છે. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં મેડિકલ ટીમ અને અન્ય બચાવ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
સરકારી પ્રતિભાવ અને એરપોર્ટ કામગીરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરીને અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી છે. પીએમ મોદીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે. આ ઉપરાંત, અમદાવાદમાં તમામ સંબંધિત એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનામાં ઘાયલો સાથે વાતચીત કરી હતી.
આ દુર્ઘટના બાદ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયા પછી તરત જ ઝડપથી નીચે આવવા લાગ્યું અને હોસ્ટેલ સંકુલ પર પડ્યું.





















