અંબાજીના મેળામાં યુવકને આવ્યો હાર્ટ અટેક, પોલીસ જવાન બન્યો દેવદૂત, CPR આપી બચાવ્યો જીવ
Ambaji Bhadarvi Poonam: ભાદરવી પૂનના મેળામાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો
Ambaji Bhadarvi Poonam: ભાદરવી પૂનના મેળામાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. દરમિયાન ફરજ પરનો પોલીસ જવાન યુવક માટે દેવદૂત બનીને આવ્યો અને તેનો જીવ બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અંબાજીમાં ભાદરવી પૂનમમાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારે ફરજ પરના પોલીસ જવાને યુવકને CPR આપી જીવ બચાવ્યો હતો. બાદમાં પોલીસ વાન મારફતે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી હતી.
ભાદરવી પૂનમ-૨૦૨૩ મહામેળા દરમિયાન એક યુવકને હાર્ટ અટેક આવતા બેભાન થઇને ઢળી પડ્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર પોલીસ દ્વારા CPR આપીને યુવકને ભાનમાં લાવી જિલ્લા ટ્રાફિકના સરકારી વાહનમાં બેસાડીને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દરરોજ લાખો લોકો આવી રહ્યા છે. પાંચ દિવસમાં 30 લાખથી વધુ ભક્તો ઉમટ્યા છે. તો મંદિરને 4 કરોડ 10 લાખની આવક થઈ છે. 27 સપ્ટેમ્બરના મેળાના પાંચમા દિવસે 1 લાખ 1 હજાર ભક્તો ઉમટ્યા હતા. તો 68 હજાર 959 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. તો 3 લાખ 24 હજારથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 40 લાખ 86 હજાર 272 રૂપિયાની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક થઈ છે.તો 83 લાખ 37 હજારથી વધુની કિંમતના પ્રસાદની આવક મળી કુલ 65 લાખ 97 હજાર 818 રૂપિયાની આવક નોંધાઇ હતી.
મેળા દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમિયાન સતત સ્વચ્છતા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. મેળા દરમિયાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.