Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા, ગરમી અને ભારે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ હાલ ગ્રહો જોતા ગરમી વધશે અને રાજ્યોના ભાગોમાં 38 થી 41 ડીગ્રી જેટલું તાપમાન જોવા મળશે.

ગાંધીનગર : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા, ગરમી અને ભારે વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ હાલ ગ્રહો જોતા ગરમી વધશે અને રાજ્યોના ભાગોમાં 38 થી 41 ડીગ્રી જેટલું તાપમાન જોવા મળશે. સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધુ જોવા મળશે. દરિયા કિનારાના ભાગોમાં 34 ડીગ્રી ગરમીનો પારો જોવા મળશે. ગરમીમાંથી રાહત મળવાની શક્યતા હવે થોડાક દિવસ બાદ મળશે. 7 થી 9 જૂન વચ્ચે અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે. પરંતુ ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની શકયતા રહેશે.
ધીમે-ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ધીમે-ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળ ઉપ સાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે. આ બંને સિસ્ટમના કારણે 13થી 19 જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 22 જૂન સુધીમા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે.
આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે. ગુજરાતમાં 13થી 22માં ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
જેમાં દક્ષિણ ગુજરાત, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થશે. આ ઉપરાંત પવનનું જોર રહેશે જેથી ચોમાસુ નજીક છે.
ચોમાસું ક્યારે આવશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.
IMD મધ્ય ભારત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં (જ્યાં ચોમાસુ પહેલેથી જ આવી ગયું છે) સારા વરસાદની અપેક્ષા રાખે છે. ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે.
IMD અધિકારીના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમ કિનારા પર ઓફ-શોર ટ્રફ બનવાની શક્યતાને કારણે, દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે.




















