આગામી બે દિવસમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, અંબાલાલ પટેલની માવઠાની મોટી આગાહી
ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી અઠવાડિયે કમોસમી વરસાદની આગાહી, ત્રણ દિવસમાં વધુ તીવ્રતાની શક્યતા છે. ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, અરવલ્લી સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશભરમાં અલગ અલગ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમી ભાગોમાં આગામી અઠવાડિયે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી ત્રણ દિવસમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, કમોસમી વરસાદ કરા અને ગાજવીજ સાથે ત્રાટકી શકે છે. આ સાથે જ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભૂસ્ખલન થવાની પણ શક્યતા છે, જે ચિંતાનો વિષય છે. અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પણ વધુ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો, આજે બનાસકાંઠાના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી છે. આ ઉપરાંત, કચ્છના અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. મહેસાણા અને અરવલ્લીમાં પણ આજે કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે પાટણ, શનિહારીજ, મહેસાણા ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ અને મધ્ય ગુજરાતના વડોદરાના ભાગો અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ગાજવીજ અને પવન સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ વાદળછાયું રહેશે.
રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણના લીધે શાકભાજી અને પાકને નુકસાન થવાની શક્યતા છે, સાથે જ પાકમાં ઈયળો પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે ખેડૂતોને પોતાના પાકની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, સાથે જ આકાશમાં વાદળો પણ છવાયેલા રહ્યા હતા. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ, ૨૬ ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ પલટો આવશે. આ ઉપરાંત, આગામી ૩ દિવસમાં તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે. આમ, એક તરફ વરસાદની આગાહી છે તો બીજી તરફ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી શકે છે.
આ પણ વાંચો....