ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
Raj Thackeray news પરિવાર એક થાય તેમાં વાંધો નહીં, પણ વિચારધારા અલગ. સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસનું પલડું ભારે: એકલા હાથે લડવાની તૈયારી.

Raj Thackeray news: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે (24 ડિસેમ્બર) એક મોટી ઘટના બની, જ્યારે વર્ષો જૂના મતભેદો બાજુએ મૂકીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા. આ ગઠબંધન માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી પરંતુ સમગ્ર રાજ્ય માટે છે. જોકે, મહાવિકાસ આઘાડી (MVA) ના સાથી પક્ષ કોંગ્રેસે આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે પરિવાર એક થાય તેનાથી અમને આનંદ છે, પરંતુ કોંગ્રેસ અને રાજ ઠાકરેની પાર્ટી (MNS) ના રસ્તા ક્યારેય એક થઈ શકે નહીં.
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી મહત્વની BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે વચ્ચે થયેલા ગઠબંધને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બંને પિતરાઈ ભાઈઓના પુનઃમિલનથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. જોકે, આ ગઠબંધન પર કોંગ્રેસની પ્રતિક્રિયા ખૂબ જ સૂચક રહી છે.
કોંગ્રેસનું સ્પષ્ટ વલણ: MNS સાથે અંતર જાળવશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે આ ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "રાજકારણ પોતાની જગ્યાએ છે અને પરિવાર પોતાની જગ્યાએ. જો બે ભાઈઓ મુંબઈના હિતમાં સાથે આવતા હોય તો અમને કોઈ સમસ્યા નથી, અમે ખુશ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે કોંગ્રેસની વિચારધારા મનસે સાથે ક્યારેય મેચ થતી નથી અને અમે તેમની સાથે ગઠબંધન કરવા ક્યારેય તૈયાર ન હતા અને રહીશું પણ નહીં." તેમણે સ્પષ્ટ કર્યું કે અમારું ગઠબંધન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે છે અને રહેશે.
એકલા હાથે લડવાનો આત્મવિશ્વાસ
નાગપુરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વડેટ્ટીવારે કોંગ્રેસની તાકાતનો પરચો આપતા કહ્યું હતું કે, "તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે કોંગ્રેસ મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે." તેમણે આંકડાઓ ટાંકતા કહ્યું કે મેયર પદ હોય કે કોર્પોરેટરની બેઠકો, કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે લડીને અન્ય બે સાથી પક્ષો (શરદ પવાર જૂથ અને ઉદ્ધવ જૂથ) કરતાં વધુ સફળતા મેળવી છે. આ પરિણામો દર્શાવે છે કે કોંગ્રેસના પાયાના કાર્યકરો સ્થાનિક ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડવા માંગે છે.
મુંબઈ અને મરાઠી અસ્મિતાનો મુદ્દો
રાજકીય ગઠબંધન ઉપરાંત, વડેટ્ટીવારે મુંબઈ અને મરાઠી અસ્મિતાના મુદ્દે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, "હું કોંગ્રેસી હોવા છતાં એક મરાઠી તરીકે સત્ય બોલતા અચકાઈશ નહીં. અત્યારે મુંબઈ પર કબજો જમાવીને તેને ગુજરાતના નિયંત્રણ હેઠળ લાવવાનું એક ઇરાદાપૂર્વકનું કાવતરું ચાલી રહ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં મરાઠી ભાષા અને ઓળખ જોખમમાં છે, અને મરાઠી જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ મહારાષ્ટ્રનું ભવિષ્ય કોના હાથમાં સોંપવા માંગે છે.



















