કમોસમી વરસાદની વચ્ચે અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, અરબ સાગરમાં ચોમાસાની ગતિવિધિ...
ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા, અમદાવાદમાં ૧૧ થી ૨૦ મે વચ્ચે ભારે પવન અને છાંટા પડવાનો વરતારો.

Ambalal Patel monsoon prediction: ગુજરાતમાં હાલ પ્રવર્તી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના માહોલ વચ્ચે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના આગામી હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદનો સિલસિલો યથાવત રહી શકે છે.
અંબાલાલ પટેલના મતે, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, કચ્છ, પંચમહાલ સહિતના ભાગોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. તેમની આગાહી સૂચવે છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં આગામી ૮ તારીખ, એટલે કે ૮ મે, ૨૦૨૫ સુધી વરસાદની શક્યતા છે.
અમદાવાદ માટે ખાસ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અમદાવાદ શહેરના હવામાન અંગે પણ ખાસ આગાહી કરી છે. તેમના વરતારા મુજબ, અમદાવાદમાં મે મહિનાના મધ્યમાં, એટલે કે ૧૧ તારીખથી ૨૦ તારીખની વચ્ચે ભારે પવન અને છાંટા પડવાની શક્યતા છે.
અરબ સાગરમાં ચોમાસાની વહેલી શરૂઆત
અંબાલાલ પટેલની આગાહીનો એક મહત્વનો મુદ્દો અરબ સાગરમાં ચોમાસાની ગતિવિધિ સંબંધિત છે. તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં ચોમાસાની ગતિવિધિની વહેલી શરૂઆત થઈ ગઈ છે. આ સંકેત દર્શાવે છે કે ચોમાસું તેની નિયત તારીખ કરતાં વહેલું સક્રિય થઈ શકે છે, જેના કારણે આગામી સમયમાં હવામાનના મોટા ફેરફારો જોવા મળી શકે છે.
ભરઉનાળે ગુજરાતમાં ભારે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી હતી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતના વાતાવરણમાં ૩ મે, ૨૦૨૫ થી પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. તેમણે આગાહી કરી છે કે, આગામી ૪ મે થી ૮ મે, ૨૦૨૫ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે.
આંધી-વંટોળ અને ભારે પવનની ચેતવણી:
અંબાલાલ પટેલે ભારે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે પવનની ગતિ અંગે પણ ચેતવણી આપી છે. તેમના મતે, આ સમયગાળા દરમિયાન ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ શકે છે. તેમણે પવનની ગતિની ભયાનકતા દર્શાવતા કહ્યું કે, વૃક્ષો પણ મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની આંધી-વંટોળ ઉભા થઈ શકે છે.
ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ?
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. આ વરસાદ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ અગાઉ વ્યક્ત કરવામાં આવી છે.




















