નવરાત્રિના આયોજકો માટે AMC ની નવી ગાઇડલાઇન્સ: સલામતીના 32 મુદ્દાઓનું પાલન કરવું ફરજિયાત
ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે, પોલીસ અને ટ્રાફિક વિભાગ સહિતના NOC પણ ફરજિયાત.

AMC Navratri guidelines 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો માટે નવી અને કડક માર્ગદર્શિકા (ગાઇડલાઇન) જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આયોજકોએ ફરજિયાતપણે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સહિત અન્ય સંબંધિત વિભાગો જેવા કે પોલીસ અને ટ્રાફિક પાસેથી પણ ના-વાંધા પ્રમાણપત્ર (NOC) મેળવવું પડશે. આ નિયમોનું પાલન ન કરનાર આયોજકોને આયોજનની મંજૂરી આપવામાં આવશે નહીં.
અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો
નવી માર્ગદર્શિકા મુજબ, કોઈપણ નવરાત્રિના આયોજકે સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવી પડશે. આ માટે, https://fscop.gujfiresafetycop.in/ વેબસાઇટ પર જઈને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ, ઇવેન્ટ શરૂ થવાના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં તમામ દસ્તાવેજોની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવી પડશે. આયોજકોએ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ની જોગવાઈઓનું પાલન કરવાનું સેલ્ફ ડિક્લેરેશન ₹300 ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવીને રજૂ કરવું પડશે.
સ્થળ અને સુરક્ષા સંબંધિત મુખ્ય નિયમો
AMC દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સલામતીના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે:
- માળખાકીય અને ઇમરજન્સી વ્યવસ્થા
- ઇવેન્ટ સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ (બહાર નીકળવાના રસ્તા) રાખવા ફરજિયાત છે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ.
- કોઈપણ પ્રકારના મંડપ કે પંડાલનું નિર્માણ શાળા, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી દૂર કરવું.
- એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા રહે તે મુજબ જ ખેલૈયાઓને પ્રવેશ આપવો.
- સીટિંગ વ્યવસ્થામાં દરેક 10 રો અને 10 બેઠક બાદ 1.5 મીટર પહોળો પેસેજ આપવો.
- ઇમરજન્સીના સમયે લોકોને સરળતાથી બહાર નીકળવા માટે રસ્તા ખુલ્લા રાખવા અને કોઈ અવરોધક વસ્તુઓ રાખવી નહીં.
- ફાયર સેફ્ટી ઉપકરણો અને જોખમ નિવારણ
- દરેક 100 ચોરસ મીટર વિસ્તાર દીઠ 2 નંગ ABC ફાયર એક્સ્ટિંગ્યુશર (6 કિ.ગ્રા.) અને 2 નંગ CO2 ફાયર એક્સ્ટિંગ્યુશર (4.5 કિ.ગ્રા.) રાખવા.
- 200 લીટર પાણી ભરેલા ડ્રમ અને રેતી ભરેલી ડોલો પણ ઉપલબ્ધ રાખવા.
- સ્ટેજ અને પંડાલથી દૂરના અંતરે ડીઝલ જનરેટર રાખવું.
- કોઈપણ પ્રકારના ફટાકડા, રસોઈ માટેના સાધનો, LPG ગેસ સિલિન્ડર કે ધૂમ્રપાનના સાધનોનો ઉપયોગ કે સંગ્રહ કરવો નહીં.
- માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતીનો બેઝ રાખવો ફરજિયાત છે.
- ઇલેક્ટ્રિકલ સેફ્ટી
- ઇલેક્ટ્રિકલ વાયરિંગ વર્તમાન વીજળી અધિનિયમ મુજબ કરાવીને માન્યતા પ્રાપ્ત ઇલેક્ટ્રિક એન્જિનિયર પાસે તેની ચકાસણી કરાવવી.
- વાઇરિંગના તમામ જોઈન્ટ્સ પોર્સેલેઇન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવા.
- બલ્બ અને લાઇટ જેવી વસ્તુઓ જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી. દૂર રાખવી.
- IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવું ફરજિયાત છે.


અન્ય મહત્વપૂર્ણ નિયમો અને શરતો
આયોજકોએ દૈનિક ધોરણે કેટલા ખેલૈયાઓ અને દર્શકોએ પ્રવેશ કર્યો તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવો પડશે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી અને 24*7 સ્વયંસેવકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી છે. આ તમામ નિયમોનું પાલન કર્યા બાદ જ ફાયર વિભાગ દ્વારા FSCAT આપવામાં આવશે. ફાયર વિભાગ ઉપરાંત, આયોજકોએ પોલીસ, ટ્રાફિક અને AMC ના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ ફરજિયાતપણે NOC મેળવવાનું રહેશે.




















