(Source: ECI/ABP News/ABP Majha)
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
Vav by-election 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છેલ્લા તબક્કામાં ચલાવ્યું જોરદાર પ્રચાર અભિયાન.
Congress strong campaign in Vav: બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અંતિમ તબક્કે કોંગ્રેસે જોરદાર પ્રચાર અભિયાન ચલાવ્યું છે. ગોસણ બેડા, વડપગ અને તનવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી જાહેર સભાઓમાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા ભાભરના તનવાડ ગામે લોક પ્રચાર દરમિયાન ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અમિત ચાવડાએ કહ્યું કે 17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે.
તનવાડ ગામે યોજાયેલી સભામાં અમિત ચાવડાએ જણાવ્યું કે, "ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને છેલ્લા 10 વર્ષથી ડબલ એન્જિન સરકાર છે, પરંતુ એક પણ નોંધપાત્ર કામ થયું નથી. ભાજપના ધારાસભ્યો માત્ર આંગળી ઊંચી કરવાવાળા છે."
તેમણે ઉમેર્યું કે ભાજપ 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતি અપનાવી રહી છે. ચાવડાએ ચૂંટણી અંગેના રસપ્રદ ખુલાસા કરતા જણાવ્યું કે, "બજારમાં એવી ચર્ચા છે કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી પાછળ અલ્પેશ ઠાકોરનો હાથ છે, જ્યારે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પાછળ શંકર ચૌધરીનો હાથ હોવાનું મનાય છે."
કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 13મી તારીખે વાવની જનતા ભાજપના નેતાઓના સપના ચકનાચૂર કરશે.
આ પહેલા વાવ વિધાનસભા ક્ષેત્રના માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ આ ચૂંટણી જંગમાં કોઈ મહત્વનો ખેલાડી નથી.
તેમણે મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપ વિશે વિચારવાનું છોડી દે, કારણ કે તે હરીફાઈમાં નથી. તેમણે મતદારોને સાવધાન કર્યા કે તેમનો કિંમતી મત વેડફાઈ ન જાય તેની કાળજી રાખે. વધુમાં, તેમણે જણાવ્યું કે મતદારો સીધા તેમનો સંપર્ક કરી શકે છે અને કોઈ મધ્યસ્થીની જરૂર નથી.
આ પહેલા વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચોઃ