વડનગરને વિકાસની ભેટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ
વડાપ્રધાન મોદીની જન્મભૂમિ વડનગરને વૈશ્વિક નકશા પર મૂકવાનો કાર્યક્રમ, પુરાતત્ત્વીય વારસો, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ.

Amit Shah Vadnagar inauguration: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગર સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલીને દેશના કરોડો ગરીબો, બાળકો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બનાવ્યું છે.
વડનગરનું વૈશ્વિક સ્થાપન
અમિત શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરને વૈશ્વિક નકશા પર મૂકવાનો છે. વડનગરની અક્ષુણ્ણતા અને જીવંતતાએ દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. તેમણે વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન તરીકેના જનહિતકારી અને વિકાસલક્ષી કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મોદીજીના જીવન કાર્યોને શબ્દોમાં વર્ણવવા મુશ્કેલ છે.
વિકાસ કાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રીએ પુરાતન નગરી વડનગરના પુરાતત્ત્વીય વારસાને ઉજાગર કરતું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, વડાપ્રધાન મોદી જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે નવનિર્મિત પ્રેરણા સ્કૂલ અને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે હેરિટેજ પ્રિસિન્ડટ ડેવલપમેન્ટ તેમજ બ્યુટીફિકેશનના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડનગરમાં એક જાહેર સભાને પણ સંબોધી હતી.
વડનગરની વિરાસત અને વિકાસ
અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ પંચ-પ્રણનો સંકલ્પ દેશને લેવડાવ્યો છે, જેમાં વિરાસત પર ગર્વ કરવાનું કહેવાયું છે. વિરાસતના પાયા પર વિકાસની ઇમારત ચણવાનું કાર્ય મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. તેમણે વડનગરની વિરાસતનો ઉલ્લેખ કરતા કહ્યું કે વડનગર હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મોની તપોભૂમિ અને ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે. ચીની યાત્રી હ્યુ એન સાંગે પણ સાતમી સદીમાં વડનગરનું વર્ણન કર્યું હતું.
નવનિર્મિત મ્યુઝિયમ વિશે તેમણે જણાવ્યું કે આ મ્યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્કૃતિ જ નહીં પરંતુ વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. પ્રેરણા સ્કૂલમાં દેશભરના બાળકો આવીને ભણશે અને રાષ્ટ્રસેવાની પ્રેરણા મેળવશે. વડનગર આગામી સમયમાં અભ્યાસ અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે. વડનગરમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, જે 2036માં ભારત ઓલમ્પિક રમતોની યજમાની કરે તે સંકલ્પની પૂર્તિમાં રમતવીરો તૈયાર કરીને યોગદાન આપશે.
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે અને આઝાદીની શતાબ્દી ઉજવાશે ત્યારે ભારત વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનશે.
અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, હર્ષ સંઘવી, સાંસદ હરિભાઈ પટેલ, મયંક નાયક, સોમાભાઈ મોદી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો....
8મું પગાર પંચ લાગુ થતાં જ પગારમાં બમ્પર વધારો થવાની શક્યતા, જાણો કેટલો મળશે પગાર





















