(Source: ECI/ABP News/ABP Majha)
AMRELI : સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં PGVCLની ઘોર બેદરકારી, અનેક જગ્યાએ વીજપેટીઓ ખુલ્લી હાલતમાં
Amreli News : લોકો બાજુમાંથી પસાર થતા હોય, પશુઓ પસાર થતા હોય ત્યારે કોઈ વીજ કરંટ લાગવાથી અકસ્માત સર્જાય તો આના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.
Amreli : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં PGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. અનેક જગ્યાએ વીજપોલ ઉપર મૂકવામાં આવતી વીજ પેટીઓ ખુલ્લી અને તૂટેલી હાલતમાં જોવા મળી છે ત્યારે PGVCLની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર અને હાઇવે પરના વીજ પોલ પર લગાવામાં આવેલ ટીસીની બાજુમાં મૂકવામાં આવતી વીજ પેટીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. લોકો બાજુમાંથી પસાર થતા હોય પશુઓ પસાર થતા હોય ત્યારે કોઈ વીજ કરંટ લાગવાથી અકસ્માત સર્જાય તો આના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.
ત્યારે સાવરકુંડલા તાલુકાના સુરજવડી ગામે સ્કૂલની નજીકમાં જ વીજપોલની ઉપર વીજ પેટી મૂકવામાં આવેલ છે વીજ પેટી તૂટેલી હાલતમાં જોવા મળી આવેલ છે શાળામાં 65 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બાજુમાં જ આંગણવાડી કેન્દ્ર છે ત્યારે આંગણવાડી કેન્દ્ર અને શાળાની વચ્ચે આ વીજપોલ ઉપર લગાવવામાં આવેલી વીજ પેટી ક્યારેક કાળમુખી સાબિત થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સાવરકુંડલા જેસર રોડ ઉપર આવેલી સહજાનંદ સ્કૂલ નજીક વીજ પોલ ઉપર જે વીજ પેટી ખુલ્લી હાલતમાં છે તેમની નજીકથી જ વિદ્યાર્થીઓ ગંભીરતા સમજ્યા વગર પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈ દુર્ઘટના બનશે તેના માટે જવાબદાર કોણ?
સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ઉપર 10 થી 12 જેટલી વીજ પેટીઓ તૂટેલી અને ખુલ્લી જોવા મળી છે તે અનેક વખત અકસ્માતો સર્જાયા છે ત્યારે વેપારીઓ અને દુકાનદારો પણ આ વીજ કપની ની ખુલ્લી પેટીઓ ને લીધી પરેશાન થઈ રહ્યા છે.
સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરતા અનેક જગ્યાએ વીજ પોલ ઉપર વીજ પેટીઓ ખુલી હાલતમાં છે. નથી સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવી કે નથી વીજ પેટી લગાવવામાં આવી. PGVCL અધિકારીઓની ઘોર બેદરકારી સ્પષ્ટ પણે સામે આવી રહી છે ત્યારે આ વીજ પોલ ઉપર મૂકવામાં આવેલી વીજ પેટીઓ કાળમુખી બને તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તમામ આવી ખુલ્લી વીજ પેટીઓ છે તેને સુરક્ષિત કરવામાં આવે.