Gandhinagar: ગુજરાતના આ 10 જિલ્લામાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધરશે,જાણો સરકારે શું લીધો નિર્ણય
ગાંધીનગર: રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે 500 માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. આ

ગાંધીનગર: રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે 500 માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાઓની કુલ 2419 ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત 10 જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા,પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે. ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તા. 5 મે સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓનો આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી અંદાજે 125 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. જેના થકી 2500 હેકટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ મળશે. રાજ્યમાં ભૂગર્ભ જળનું ખેંચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે. આ ઓનલાઈન ડ્રોમાં જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ એમ. ડી. પટેલ તમામ ઝોનના મુખ્ય ઈજનેરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજથી 31 સુધી હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ આઠથી દસ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે. જો કે ચોમાસુ બેસ્યા બાદ વરસાદ ખેંચાવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા વરસાદ ખેંચાઈ શકે છે. અંબાલાલ પટેલે તો બે વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના દિવસે પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મહેસાણા અને જૂનાગઢમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. જ્યારે ત્રીજી જુને અમદાવાદમાં રમાનાર આઈપીએલની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. ત્રણ જુને અમદાવાદમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.





















