અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ બન્યો જીવલેણ: વીજળી પડતા બે યુવાનોના મોત
Unseasonal rain in Gujarat 2025: ગાજવીજ સાથે વરસાદના પગલે વીજળી પડવાની ઘટના, બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા, કમોસમી માવઠા વચ્ચે વીજળીના ચમકારા જીવલેણ સાબિત થયા

Aravalli lightning strike news: રાજ્યના વિવિધ ભાગોમાં હાલ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આ કમોસમી માવઠું જીવલેણ સાબિત થયું છે. જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે વીજળી પડવાની કરુણ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ, ધંધાસણ ગામમાં પંચાયતની બાજુમાં બે યુવાનો ઉભા હતા તે દરમિયાન અચાનક વીજળી પડી હતી. ગાજવીજ અને ભારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદના પગલે આ વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડતા જ બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને યુવાનોના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કમોસમી વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા અને કડાકા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે આ ઘટનાએ વીજળી પડવાના ભયને ફરી એકવાર ઉજાગર કર્યો છે. લોકોને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન ખુલ્લામાં રહેવાને બદલે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા અપીલ કરવામાં આવે છે.
રાજ્યમાં આગામી ૫ દિવસ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ઉનાળાના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદનો દોર આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા, ગાજવીજ, ભારે પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.
આજે (૫ મે) ક્યાં ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ આગાહી છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
- ઓરેન્જ એલર્ટ (વરસાદ અને કરા): કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટ.
- ભારે પવન ગાજવીજ સાથે વરસાદ: જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી.
આવતીકાલે (૬ મે) ક્યાં ક્યાં વરસાદની આગાહી?
આવતીકાલે પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ યથાવત રહેશે. કરા સાથે માવઠાની આગાહી ધરાવતા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
- ઓરેન્જ એલર્ટ (વરસાદ અને કરા): કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટ. (નોંધ: આણંદ, ભરૂચ, નર્મદા જિલ્લાનો પણ આવતીકાલના ઓરેન્જ એલર્ટમાં સમાવેશ કરાયો છે).
- ભારે પવન ગાજવીજ સાથે વરસાદ: જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી.





















