Arvalli : મંદિરના પૂજારીને ગામની યુવતી સાથે બંધાયા પ્રેમસંબંધ ને એક દિવસ અડધી રાતે પૂજારી ઘરે આવ્યો ને.....
મેઘરજ તાલુકાના રાયાવાડા ગામે ભગવાનની પૂજાની સાથે પુજારીએ ગામની યુવતીને પ્રેમ પ્રકરણમાં ફસાવી તેનું અપહરણ કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મેઘરજઃ અરવલ્લી જિલ્લામાં શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મેઘરજ તાલુકાના રાયાવાડા ગામે પૂજારી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીનું અપહરણ કરી ફરાર થઈ ગયો છે. મેઘરજ તાલુકાના રાયાવાડા ગામે ભગવાનની પૂજાની સાથે પુજારીએ ગામની યુવતીને પ્રેમ પ્રકરણમાં ફસાવી તેનું અપહરણ કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગામના મંદિરમાં જ રહી ગામની જ દીકરીને પ્રેમજાળમાં ફસાવનાર લંપટ પુજારી સામે ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.
સમગ્ર ઘટનાની ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવે તો આજથી આશરે અઢી વર્ષ પહેલા મેઘરજના રાયવાડા ગામના તળાવ પર આવેલ લક્ષ્મીમાતા, મહાદેવ, હનુમાન દાદા, ખોડીયાર માતાજીના મંદીરમાં પૂજા કરવા માટે મેઘરજના કિશન રાજેન્દપ્રસાદ પુરોહીત નામના વ્યક્તિને ગામના લોકોએ મંદિરમાં પુજારી તરીકે રાખ્યો હતો. આ પુજારીને મહીને ૫૦૦૦ રૂપિયા પણ આપવાના નક્કી કર્યા હતા અને આ પુજારીને ગામના લોકો જમવા તેમજ સેવા પુજા કરવા માટે બોલાવતા હતા.
આરોપી પુજારી ફરિયાદીના ઘરે અવાર-નવાર આવતો-જતો હતો. આજથી એક વર્ષ પહેલા કિશન પુરોહીતને ફરિયાદીના દીકરાએ આરોપી પૂજારીને પોતાના ઘરે જમવા બોલાવ્યો હતો. ત્યાર પછી તો આરોપી પુજારી ફરિયાદીને ઘરે અવાર-નવાર જમવા માટે આવતો હતો. લંપટ પૂજારી જમ્યા બાદ બે કલાક ભક્તીની તેમજ પુજા બાબતની વાતો કરતો હતો.
ત્યાર બાદ નવ માસ પહેલા પરિવાર દ્વારકા દર્શન કરવા ગયેલ તે વખતે તા.૧૩/૦૯/૨૦૨૦ ના દિવસે ફરિયાદીની દીકરીનો જન્મ દીવસ હોવાથી કુટણ તળાવના મંદીરના મકાનમાં જન્મ દીવસની ઉજવણી કરી હતી. દરમિયાન આરોપી પૂજારીએ ફરિયાદીની દીકરીને એન્ડ્રોઇડ ફોન પણ આપ્યો હતો. આ ફોન બાબતે પિતાએ દીકરી ને પૂછતાં મોબાઈલ ફોન આરોપી પૂજારીએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે ફરિયાદીએ તેમની દિકરીને ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપી કીશને ધમકી આપી તેમના ઘરે આવી તેમની દીકરીને તેની સાથે પરણાવવા માટે રૂપિયાની ઓફર કરી હતી. ત્યારબાદ તા.૧૨ જૂન ૨૦૨૧ ના દિવસે ફરિયાદી અને તેમનો પરીવાર સાથે જમી પરવારીને સૂતા હતા. ત્યારે તેજ રાત્રીના દોઢેક વાગે ફરિયાદીના ઘર નજીક આવેલ રોડ ઉપર ઇનોવા ગાડીમાં ફરિયાદીની દીકરીને હાથ પકડીને બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ સાથે જ આરોપી કિશન પુરોહીતને બે મિત્રો પૈકી સીસોદરા(મેઘાઇ)નો રહેવાસી સિધ્ધરાજ નાનાભાઇ પટેલ અને સાકરીયાના રવી ભરવાડની મદદગારી સામે આવી છે.
ફરિયાદીએ દીકરીની તપાસ કરતા ન મળતા આખરે પિતાએ મેઘરજ પોલીસ સ્ટેશને પોતાની દીકરીને લલચાલી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જનાર પૂજારી સહિત બે અન્ય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દીકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓ અને દીકરીની શોધખોળ હાથ ધરી છે. ત્યારે મંદિરમાં પૂજાની સાથે ગામની દીકરી પર નજર બગાડી પ્રેમજાળમાં ફસાવનાર આવો પૂજારી સમાજ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે.