ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં
વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે.

રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર. સારા વરસાદ માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે. કારણ કે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની ખાસ સંભાવના નથી. હવમાન વિભાગે આગાહી કરી છે કે, 5, 6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી.
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા હવે લોકો ઇંદ્ર દેવને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. તેના ભાગરૂપે અરવલ્લીમાં વરુણ દેવને રીઝવવા
જળાભિષેક કરાયો છે. મેઘરજ પંથકમાં વરસાદ ખેંચાતા કંટાળુ હનુમાનજીને રીઝવવા પાણીનો અભિષેક કરવામાં આવ્યો. સ્થાનિકોએ ઢોલ
નગારા વગાડવાની સાથે પાણીના બેડા સાથે અભિષેક કર્યો હતો. મેઘરાજાને મનાવવા માટે આસ્થારૂપી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.
વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર સુકાવાનો ભય ઉભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ ૧૩ ટકા જેટલો જ છે.
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં સરેરાશ ૭૩૫ મીમી વરસાદ દર સિઝનમાં થાય છે. જેની સામે આ વખતે છેલ્લા આંકડાઓ અનુસાર ફક્ત ૯૯ મીમી જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ખરીફ વાવેતરના છેલ્લા ત્રણ વરસની સરેરાશમાં કુલ ૧૫,૮૮,૧૨૪ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેમાં આ વરસે અત્યાર સુધીમાં ૫,૨૩,૨૫૩ હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળીનું ૧,૮૦,૬૮૩ હેક્ટરમાં અને બીજા ક્રમે કપાસનું વાવેતર ૧,૨૮,૯૦૮ હેક્ટરમાં થયું છે.
હવામાન વિભાગના મતે 12 જુલાઈ સુધી વરસાદની કોઈ સિસ્ટમ નથી બની રહી. ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.





















