ધોરણ 12 પછી નર્સિગમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બહુ મોટા સમાચાર, જાણો શું લેવાયો નિર્ણય ?
ગાઈડલાઈન મુજબ 31 ડિસેમ્બરે વિદ્યાર્થીના 17 વર્ષ પુરા થયેલા હોવા જોઈએં અને ફિઝિક્સ,કેમિસ્ટ્રી તથા બાયોલોજીમાં મિનિમમ 45 ટકા માર્કસ હોય તેવા વિદ્યાર્થીઓ NEET આપી શકે છે.
અમદાવાદઃ કેન્દ્ર સરકારે મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ (NEET)ને ફરજિયાત બનાવ્યા પછી આયુર્વેદ-હોમિયોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પણ NEET ફરજીયાત કરી દીધી હતી. હવે આ વર્ષે બી.એસસી નર્સિંગ માટે પણ NEET લેવાશે.
જો કે બી.એસ.સી નર્સિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ NEET આપવી ફરજીયાત નથી પરંતુ થોડાં વર્ષોમાં બી.એસ.સી નર્સિંગ માટે પણ નીટ કોમન પરીક્ષા થઈ શકે છે એવો સરકારી સૂત્રોનો દાવો છે.
આ પહેલાં મેડિકલ-ડેન્ટલ સિવાયના પેરામેડિકલના આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, ફીઝિયોથેરાપી સહિતના કોર્સીસમાં પ્રવેશ માટે ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના પરિણામને જ ધ્યાનમાં રાખીને મેરિટ તૈયાર કરવામા આવતુ હતુ. બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલના આયુર્વેદ-હોમિયોપેથી અને ત્યાર બાદ નેચરોપેથીને પણ NEET પરીક્ષા હેઠળ આવરી લીધા છે. આ ત્રણેય કોર્સ માટે પણ NEET ફરજીયાત કરી દેવાઈ છે.
ચાલુ વર્ષે 12 સપ્ટેમ્બરે NEET લેવામા આવશે. આ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાયુ હતું પરંતુ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ચાર વર્ષના ડિગ્રી બીએસસી નર્સિંગ કોર્સના પ્રવેશ માટે NEET ફરજિયાત કરવાન રજૂઆત કરાતાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબની લાયકાતો સાથે NEET લેવાનું જાહેર કરાયુ છે. આ માટે રજિસ્ટ્રેશન મુદત વધારી 10મી ઓગસ્ટ સુધી કરાઈ હતી.
ગાઈડલાઈન મુજબ 31 ડિસેમ્બરે વિદ્યાર્થીના 17 વર્ષ પુરા થયેલા હોવા જોઈએં અને ફિઝિક્સ,કેમિસ્ટ્રી તથા બાયોલોજીમાં મિનિમમ 45 ટકા માર્કસ હોય તેવા વિદ્યાર્થીઓ NEET આપી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પબ્લિક નોટિસ સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે, .આ NEET બીએસસી નર્સિંગના પ્રવેશ માટે કોમન ફરજીયાત પરીક્ષા નથી. આ NEETના સ્કોરને જે તે રાજ્ય પોતાના નર્સિંગ પ્રવેશ માટે લાગુ કરવા ઈચ્છે તો કરી શકે છે.