Biporjoy: બનાસકાંઠામાં મોટુ નુકસાન, વાવાઝોડાથી 190 વીજ પૉલ ઉખડ્યા, 231 શેડ ઉડ્યા, એક પશુનું મોત, જાણો સંપૂર્ણ અહેવાલ
જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, ગુજરાતના બૉર્ડર એરિયામાં વાવાઝોડાની અસર દેખાશે, આમાં ખાસ કરીને રાજસ્થાનમાં જાલૌર અને સિરોહી જિલ્લામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે
Biporjoy: બિપરજૉય વાવાઝોડાની અસર હવે ધીમે ધીમે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ શરૂ થઇ ગઇ છે. બિપરજૉય લેન્ડફૉલ બાદ ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, અને ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠાની સાથે સાથે હવે રાજસ્થાનના બે જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે, જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, ગુજરાતના બૉર્ડર એરિયામાં વાવાઝોડાની અસર દેખાશે, આમાં ખાસ કરીને રાજસ્થાનમાં જાલૌર અને સિરોહી જિલ્લામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.
કલેક્ટરના જણાવ્યા અનુસાર, બનાસકાંઠામાં હજુપણ આગામી બે દિવસ ભારે રહેશે. ભારે વરસાદથી જિલ્લાના વાવ, સુઈગામ, ડીસા, થરાદ સહિતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂકયો છે અને 190 વીજ પૉલ પણ ધરાશાયી થયા છે. જિલ્લમાં નુકસાનીનો અહેવાલમાં 190 વીજ પૉલ ઉપરાંત 231 શેડ ઉડ્યા છે, અને 1 પશુનું મોત થયુ છે, એટલુ જ નહીં 2500 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે જિલ્લાના 18 ગામડાઓમા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. કલેક્ટરે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. અસરગ્રસ્તો માટે આરોગ્ય ટીમ, જીઇબી ટીમ, ટેકનિકલ ટીમ સહિતનું તંત્ર કામે પણ લાગ્યુ છે.
છેલ્લા 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
કચ્છના ગાંધીધામમાં 6.6 ઇંચ વરસાદ
કચ્છના મુંદ્રામાં 3.7 ઇંચ વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ વરસાદ
કચ્છના અંજારમાં 3.5 ઇંચ વરસાદ
જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ વરસાદ
બનાસકાંઠાના વાવમાં 3 ઇંચ વરસાદ
કચ્છના ભચાઉમાં 2.5 ઇંચ વરસાદ
નોંધનીય કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે. વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.