બનાસ ડેરીની ચૂંટણી: ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર, વર્તમાન ડિરેક્ટરોનાં પત્તાં કપાયાં; ૧૩ બેઠકો બિનહરીફ
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પક્ષના જ આંતરિક વિખવાદ અને ઉમેદવારોની બહુવિધ દાવેદારીને કારણે પક્ષે તાત્કાલિક મેન્ડેટ બહાર પાડવો પડ્યો હતો.

Banas Dairy election 2025: બનાસ ડેરીની આગામી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) માં 'ભાજપ વર્સિસ ભાજપ' જેવી સ્થિતિ ઊભી થતાં પક્ષે તાત્કાલિક મેન્ડેટ જાહેર કરવો પડ્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અનેક મોટા નેતાઓનાં પત્તાં કપાયાં છે, જ્યારે નવા ચહેરાઓને તક મળી છે. આ મેન્ડેટ અનુસાર, પાલનપુર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડગામ બેઠક પર ફ્લજી પટેલ અને દાંતા બેઠક પર અમરતભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીના બદલે ભરત પટેલને મેન્ડેટ આપીને અને કાંકરેજ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર અણદા પટેલનું પત્તું કાપીને બાબુ ચૌધરીને મેદાને ઉતારીને ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો છે. આ મેન્ડેટ દ્વારા પક્ષે ડેરીના વહીવટમાં સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
મેન્ડેટ જાહેર થવા પાછળનું કારણ: ભાજપ વર્સિસ ભાજપનો ગણગણાટ
બનાસ ડેરીની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પક્ષના જ આંતરિક વિખવાદ અને ઉમેદવારોની બહુવિધ દાવેદારીને કારણે પક્ષે તાત્કાલિક ધોરણે સત્તાવાર મેન્ડેટ બહાર પાડવો પડ્યો હતો. આ મેન્ડેટ દ્વારા પક્ષે ડેરીના સંચાલન પર પોતાનો કંટ્રોલ જાળવી રાખવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે. મેન્ડેટ જાહેર થતાં જ અનેક વર્તમાન ડિરેક્ટરો અને અગ્રણી નેતાઓના પત્તાં કપાઈ ગયા છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે.
મુખ્ય બેઠકો પર ફેરફાર અને કપાયેલા પત્તા
ભાજપે અનેક બેઠકો પર વર્તમાન હોદ્દેદારોને પડતા મૂકીને નવા અને પક્ષને વફાદાર ચહેરાઓને તક આપી છે:
- પાલનપુર બેઠક: આ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્તું કાપીને વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો છે.
- વડગામ બેઠક: અહીં વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોડને પડતા મૂકીને ફ્લજી પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાયું છે.
- દાંતા બેઠક: દિલીપસિંહ બારડને રિપીટ ન કરતા ભાજપે અમરતભાઈ પરમારને મેન્ડેટ આપ્યું છે.
- દાંતીવાડા બેઠક: આ બેઠક પર વિનોદ ભૂતડીયાની દાવેદારી સામે વર્તમાન ડિરેક્ટર પી. જે. ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
- ધાનેરા બેઠક: આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય જે.કે. પટેલને મેન્ડેટ આપીને પક્ષે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
- કાંકરેજ બેઠક: સૌથી મોટો ફેરફાર અહીં કરાયો છે, જ્યાં વર્તમાન ડિરેક્ટર અણદા પટેલનું પત્તું કાપીને બાબુ ચૌધરીને ભાજપે મેદાને ઉતાર્યા છે.
ભાજપ નેતા અણદા પટેલ દ્વારા પાર્ટી મેન્ડેડને માન આપી ફોર્મ પરત ખેંચાતા ૧૩ બેઠકો બિનહરીફ થઈ
બનાસ ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આજે વધુ એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ભાજપ નેતા અને વર્તમાન ડિરેક્ટર શ્રી અણદા પટેલે કાંકરેજ બેઠક પરથી પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં આ બેઠક પર શ્રી બાબુ ચૌધરીનો વિજય નિશ્ચિત થયો છે. આ સાથે, બનાસ ડેરીની કુલ ૧૩ બેઠકો પર બિનહરીફ વિજય મેળવવાનો માર્ગ મોકળો થયો છે.
મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબુ ચૌધરીને કાંકરેજ બેઠક માટે મેન્ડેડ ફાળવવામાં આવ્યું હતું. પાર્ટીના આ નિર્ણયને માન આપીને અણદા પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું. અણદા પટેલના આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે તેઓએ વ્યક્તિગત હિતને બદલે પક્ષના આદેશનું સન્માન કર્યું છે.




















