Vav Bypoll: વાવ માટે ભાજપ તૈયાર, સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો મોકલ્યા, આ પાંચ ઉમેદવારો છે મોટા દાવેદાર
Vav Bypoll, BJP Sense Process: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે
Vav Bypoll, BJP Sense Process: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જેને લઇને હવે કોંગ્રેસની સાથે સાથે ભાજપે વાવા બેઠક પર યોગ્ય ઉમેદવાર ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી બનાસકાંઠાની આ હાઇ પ્રૉફાઇલ થઇ ચૂકેલી બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. આમાં ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે.
માહિતી પ્રમાણે, ભાજપ અને કોંગ્રેસ બન્ને આ બેઠક પર પેટાચૂંટણીમાં કબજો કરવા માંગે છે. કોંગ્રેસના સાંસદ અને વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પહેલાથી જ વાવમાં ઠાકોર ઉમેદવારને ટિકીટ નહીં આપવાની વાત કહી દીધી છે. હવે આ મામલાને ધ્યાનમાં રાખીને ભાજપે યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી દીધી છે.
બનાસકાંઠાની વાવ બેઠક પર ઉમેદવાર માટે આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે. ભાજપના નિરીક્ષકો તરીકે જનક પટેલ, દર્શના વાઘેલા અને યમલ વ્યાસ સેન્સ લેવા પહોંચ્યા છે. આજે બપોરે 1 વાગ્યે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થશે. મહત્વનું છે કે, વાવ બેઠક પર ભાજપના પાંચ દાવેદારોના નામની મજબૂત ચર્ચા થઇ રહી છે, જેમાં વાવ સ્ટેટના રાણા ગજેંદ્રસિંહ ચૌહાણનું નામ સૌથી આગળ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ કાયદામંત્રીના પૌત્ર રજનીશ ચૌધરી અને 2022માં ચૂંટણી લડી ચૂકેલા સ્વરૂપજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. ભાજપ નેતા માવજી પટેલ અને પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષ પટેલનું નામ પણ ટિકીટની રેસમાં છે.
'વાવમાં કોંગ્રેસ ઠાકોરને ટિકીટ નહીં આપે' -પેટા ચૂંટણી મુદ્દે ગેનીબેન ઠાકોરે કર્યો મોટો ખુલાસો
ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પણ શિડ્યૂલ જાહેર કરી દીધુ હતુ. આગામી 13મી નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે. આ પેટા ચૂંટણીને લઇને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, અહીં પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વિધાનસભામાં જીત થઇ હતી, આ પછી બનાસકાંઠા લોકસભા જીતતા ગેનીબેન વાવ બેઠક પરથી રાજીનામુ આપી દીધુ હતુ.
કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વાવ બેઠક અને કોંગ્રેસની રણનીતિ અંગે મોટો ખુલાસો કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ નહીં આપે. આ બાબતે પહેલાથી જ વાટાઘાટો થઇ ચૂકી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, કોંગ્રેસ ફરી એકવાર વાવ વિધાનસભામાં જંગી લીડથી જીત, કોંગ્રેસમાંથી વાવ માટે ટિકીટ માંગનારા ચાર લોક જ છે. પરંતુ રણનીતિ પ્રમાણે કોંગ્રેસ વાવ પેટાચૂંટણીમાં ઠાકોર ઉમેદવારે ટિકીટ નહીં આપે. ગેનીબેને કહ્યું કે, જ્યારે લોકસભાની ટિકીટ ઠાકોર સમાજને આપી ત્યારે જ નક્કી થઇ ગયુ હતુ કે, કોંગ્રેસ તમામ લોકોને સાથે રાખીને ચૂંટણી લડશે અને જીતશે. અહીં બનાસકાંઠામાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતનો ઇતિહાસ રહેલો છે, શંકરસિંહ વાઘેલાથી લઇને થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. વાવ બેઠક પર જાતિગત સમીકરણ ખૂબ મહત્વનું છે. ગેનીબેને આ સમયે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા, તેમને કહ્યું કે, ભાજપ પાસે વાવમાંથી ટિકીટ માંગનારા ઘણાબધા છે. કોંગ્રેસ અહીં ફરીથી જીત મેળવશે.
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, 13 નવેમ્બરે થશે મતદાન -
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.
કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર ?
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, હાલમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના એકમાત્ર ગુજરાતના ધારાસભ્ય છે. તેઓ એક કોંગ્રેસ પક્ષના શક્તિશાળી અને કડક મહિલા રાજકારણી છે, અગાઉ જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.
લોકસભામાં એકમાત્ર ગુજરાતના કોંગ્રેસી સાંસદ
આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો, અને બનાસકાંઠામાં પહેલીવાર માહિલા સાંસદ મળ્યા. બનાસકાંઠામાં કૉંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. જેનાથી ભાજપનો વિજયરથ અટકી ગયો અને ગુજરાતમાં ક્લિન સ્વિપનું સપનું પણ રોળાયું. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી પરાજિત કર્યા હતા.