ચાણસ્મામાં ગોઝારો અકસ્માત: તળાવમાં ડૂબી જવાથી માતા-પુત્ર સહિત 5ના કમકમાટીભર્યા મોત
વડાવલી ગામે તળાવમાં બકરા ચરાવવા ગયા હતા ત્યારે સર્જાઈ કરૂણાંતિકા, સમગ્ર ગામમાં શોકનું મોજુ

Chansma Lake Accident: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રવિવારે એક અત્યંત દુ:ખદ અકસ્માત સર્જાયો છે, જેણે સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. ગામના તળાવમાં ડૂબી જવાથી લઘુમતી સમુદાયના પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં એક જ પરિવારના બે બાળકો અને તેમની માતાનું પણ કમનસીબે મોત નીપજ્યું છે. એક સાથે પાંચ લોકોના ડૂબી જવાના સમાચારથી સમગ્ર ગામમાં ગમગીની અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
આ કરૂણ ઘટના સાજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. વડાવલી ગામના તળાવ પાસે કેટલાક બાળકો બકરા ચરાવી રહ્યા હતા, ત્યારે અચાનક એક બાળક તળાવમાં લપસી ગયો હતો. તેને બચાવવા માટે તાત્કાલિક પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કમનસીબે એક પછી એક એમ કુલ પાંચ લોકો તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ગામના લોકો આ દુર્ઘટનાથી જાણ થતાં જ તુરંત દોડી આવ્યા હતા અને ડૂબી ગયેલા તમામ લોકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. તાત્કાલિક અસરથી તમામને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વડાવલીના તલાટી પરમાર દ્વારા આ ગંભીર ઘટના અંગે તાત્કાલિક વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી.
મૃત્યુ પામનારાઓમાં એક જ પરિવારના સભ્યો અને અન્ય બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ નીચે મુજબ છે:
- ફિરોઝા બાનુ કાળુમિયા મલેક, ઉંમર વર્ષ 25 (મહિલા)
- માહીરા બાનું મલેક, ઉંમર વર્ષ 10 (બાળકી)
- અબ્દુલ કાદરી મલેક, ઉંમર વર્ષ 8 (બાળક)
- સીમું સલીમભાઈ પઠાણ, ઉંમર વર્ષ 14 (બાળક)
- સોહીલ રહીમભાઈ કુરેશી, ઉંમર વર્ષ 16 (બાળક)
આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વડાવલી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો અને ગામ લોકોમાં ભારે ગમગીની છવાઈ છે. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. ચાણસ્મા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને બનાવની તપાસમાં જોડાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે સંવેદના અને દુઃખની લાગણી ફેલાવી છે.
એક સાથે પાંચ-પાંચ લોકોના મોતથી વડાવલી ગામ અને મલેક સમાજમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો...
થરાદના ખેગારપુરામાં માટી ખોદતા મજૂરો પર કાળ ત્રાટક્યો: રેતીના ટ્રકે ૪ જીંદગીઓનો લીધો ભોગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
