થરાદના ખેગારપુરામાં માટી ખોદતા મજૂરો પર કાળ ત્રાટક્યો: રેતીના ટ્રકે ૪ જીંદગીઓનો લીધો ભોગ
થરાદના ખેગારપુરામાં હૃદયદ્રાવક ઘટના, રેસ્ક્યુ ઓપરેશન છતાં બચાવી ન શકાયા.

Tharad Accident: થરાદ તાલુકાના ખેગારપુરા ગામ નજીક આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ગામ નજીક રોડ પર નાળાંની કામગીરી કરી રહેલા ચાર મજૂરો પર રેતી ભરેલો એક ટ્રક પલટી જતાં કરૂણ મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, તમામ મજૂરો દાહોદ વિસ્તારના વતની હતા.
આ કરૂણ ઘટના ખેગારપુરા ગામ પાસે બની હતી, જ્યાં રોડની બાજુમાં નાળાં બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અચાનક એક રેતી ભરેલો હાઇવા ટ્રક બેકાબૂ બનીને કામ કરી રહેલા મજૂરો પર પલટી ગયો. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ અને જેસીબી મશીનો સાથે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. માટી અને રેતીના ઢગલા નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ થયા, પરંતુ કમનસીબે, ચારેય મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મજૂરો રોડની બાજુમાં નાળાંના કામમાં રોકાયેલા હતા, ત્યારે રેતી ભરેલો ટ્રક પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા. થરાદના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) એસ. એમ. વારોતરીયા પણ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
DYSP એસ. એમ. વારોતરીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “આજે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ખેગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલતું હતું. કેટલાક લોકો રોડની દિવાલ બનાવવા માટે માટી ખોદવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન, રેતી ભરેલો એક હાઇવા ટ્રક ત્યાંથી પસાર થયો, અને વળાંક પર ડ્રાઇવરે ધ્યાન ન આપતા ટ્રક પલટી ગયો. દુર્ભાગ્યવશ, ટ્રક નીચે દટાઈ જવાથી 3 મહિલાઓ અને એક બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં જે કોઈની બેદરકારી હશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાયેલી છે. ઘટના સ્થળે હાજર રહેલા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “ખેગારપુરા ગામમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. નાળાંના કામમાં લાગેલા મજૂરો પર રેતી ભરેલો ટ્રક પલટી જતા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.” દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારજનોએ કામ સ્થળે સલામતીના સાધનોના અભાવ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કામ કરતી વખતે હેલ્મેટ કે અન્ય કોઈ સુરક્ષા ઉપકરણો આપવામાં આવતા નથી.
આ પણ વાંચો....
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
