Video: ડાંગમાં વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં ભરઉનાળે પૂર, સાપુતારા અને તળેટી વિસ્તાર જળબંબાકાર
કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકોમાં દોડધામ.

Dang cloudburst video: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. ભરઉનાળે વાતાવરણ પલટાતાં ભારે પવન ફૂંકાવવાની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાંથી આવેલા મોટા સમાચારમાં વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે, જેના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને તેની તળેટી વિસ્તારમાં શનિવારે (આજે) બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા સાથે માવઠું થતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન, ડાંગ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બનતાં પૂર્ણા નદીમાં ભરઉનાળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
પૂર્ણા નદીમાં પાણીની ભારે આવકના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. અચાનક આવેલા આ વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે, ખાસ કરીને કેરીના પાકને વ્યાપક અસર પહોંચી છે.
⏩ડાંગમાં વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં પૂર
— AIR News Gujarat (@airnews_abad) May 10, 2025
⏩ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું
⏩વરસાદ અને વાવાઝોડામાં કેરીના પાકને નુકસાન
⏩વરસાદ અને વાવાઝોડાને લઇ લોકોમાં દોડધામ મચી #Gujarat @CollectorDan @InfoDangGog #AIRPics : મુનિરા શેખ pic.twitter.com/kAv25U6Qaz
નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ડાંગમાં વાદળ ફાટવાની ઘટનાએ આ કમોસમી વરસાદની તીવ્રતામાં વધારો કર્યો છે, જેના પગલે જિલ્લામાં ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
જૂનાગઢમાં પણ વરસાદ
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. શહેરના બસ સ્ટેન્ડ, બાટવા રોડ, વંથલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઊભા રહેલા ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને અડદને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે કમોસમી વરસાદની શક્યતા વધારી રહ્યું હતું. ખેડૂતોએ ભારે આશા સાથે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ અણધાર્યા વરસાદથી તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તૈયાર પાકને નુકસાન થવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે તેવી આશંકા છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપવા અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.





















