Gujarat Police: ગુજરાત પોલીસને સરકારે આપી મોટી ભેટ, જાણો મુખ્યમંત્રીએ શું કરી જાહેરાત
ગુજરાત પોલીસની વિવિધ માંગણીઓને ધ્યાને લઈ આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ભંડોળને મંજૂરી આપી હોવાની માહિતી આપી હતી.
Gujarat Police: છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022
મુખ્યમંત્રીએ શું ટ્વીટ કર્યુંઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું."
આ ભંડોળથી શું થશે?
ગુજરાત સરકારે હાલ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે 550 કરોડ રુપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. ગુજરાતમાં હાલ 65000 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ ભંડોળથી અંદાજે દરેક પોલીસ કર્મચારીઓને મહિને 7 હજાર સુધીનો પગાર-ભથ્થાં વધી શકે છે. મહત્વનું છે કે, આ 550 કરોડ રુપિયાનું ભંડોળ પોલીસ કર્મચારીઓના પરિવારના કલ્યાણ અર્થે મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે પોલીસના પગાર-ભથ્થાં ચોક્કસની વધશે. જો કે, પોલીસનો ગ્રેડ - પે કેટલો રહેશે તે અંગે હાલ કોઈ માહિતી સરકાર તરફથી નથી આપવામાં આવી. હાલ એવી શક્યાતાઓ પણ વર્તાઈ રહી છે કે, પોલીસના ગ્રેડ - પેમાં વધારો નહી કરીને તેમના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે.