અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીને માર મારવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે
અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીને માર મારવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. પાયલને ન્યાય અપાવવા આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ધરણા પર બેઠા હતા. અમરેલીના રાજકમલ ચોક ખાતે ધરણાં યોજી પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠાં હતા. પરેશ ધાનાણીની માંગ છે કે પાયલને માર મારનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. ધરણામાં વીરજી ઠુમ્મર, લલિત વસોયા સહિતના કૉંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા.
પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પત્ર પરિષદ યોજી પાટીદાર યુવતીને ન્યાય આપવા માંગ કરી છે. તેમણે બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી નિર્દોષ હોવાની પણ વાત હતી. પરેશ ધાનીએ કહ્યું હતું કે પાયલ ગોટીને પોલીસે 16 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે આ કોઈ પાર્ટીની કે સમાજની વાત નથી. પાયલ ગોટીને ગુનેગાર બનાવી રાત્રે બાર વાગે ધરપકડ કરી સરઘસ કાઢી માર મારવામાં આવ્યો ત્યારે સમગ્ર ગુજરાતની દીકરી માટે સવાલ ઉભો થાય છે. આખા ગુજરાતની બહેનો દીકરીઓ માટેનો પ્રશ્ન છે એના માટે નારીને ન્યાય આપવા માટે સ્વાભિમાન ઉપવાસ આંદોલન છે.
નોંધનીય છે કે ગઇકાલે અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, પાયલ ગોટીને કોર્ટ તરફથી જામીન મળ્યા હતા. ગઇરાત્રે પોલીસની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. રાત્રે વીડિયોગ્રાફી સાથે પોલીસે પાયલ ગોટીનું નિવેદન નોંધ્યુ હતુ. આ તમામ નિવેદનો બાદ મેડિકલ ચેકઅપ માટે લઈ જવા માટે વિવાદ થયો અને અંતે પાયલ ગોટીએ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ખાસ વાત છે કે, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રસ્તામાં જ ગાડી રોકીને વાંધો ઉઠાવ્યો હતો. ધાનાણીના વાંધા બાદ પોલીસ પાયલ ગોટીને ઘરે મુકવા પહોંચી હતી. ધાનાણીના વાંધા બાદ મેડિકલની ટીમ પાયલના ઘરે પહોંચી હતી. પાયલે રાત્રે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કરતાં વિવાદ થયો હતો.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરાઇ હતી. જો કે, આ વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો હતો.
શુક્રવારે સેશન્સ કોર્ટમાં પાયલ ગોટીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી હતી. યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. તેમણે પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા કે કેવી રીતે એક સ્ત્રીને રાત્રે બાર વાગ્યે તેના ઘરેથી પકડી લેવામાં આવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે રાજકીય દબાણમાં કામ કર્યું, માર માર્યો અને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી.