શોધખોળ કરો
કામ વગર ઘરની બહાર નીકળ્યાં તો ખેર નહીં? ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ બીજી શું કરી અપીલ? જાણો
ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 15 એપ્રિલ સુધી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે અને લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને માન આપી રહ્યા છે. જોકે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કામ વગર રખડતા લોકો પર પોલીસ ડ્રોન અને સીસીટીવીથી નજર રાખી રહી છે. અનેક જગ્યાએ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. શહેરની સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થતાં લોકો પર પણ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીના લોકોએ કોમન પ્લોટમાં ભેગા ન થવું જોઈએ કારણકે તેનાથી પણ એકબીજાને કોરોનાનો સંક્રમણ થઈ શકે છે. સોશિયલ મીડિયા ગ્રુપ પર કોઈએ ભડકાઉ કે અફવા ફેલાવવા માટે લખાણ લખ્યું તો તે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરથી બહાર નીકળશો નહીં, આ તમામ પર પોલીસ કડક કાર્યવાહી કરશે. જાહેરનામાના ભંગ, IPC એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ એપિડેમિક એક્ટ મુજબ કેસ કરવામાં આવી રહ્યાં છે. વાહન ડિટેઈન કરવાની કામગીરી પણ ચાલી રહી છે. શહેરના યુવાનો જરૂર વિના રખડવા માટે બહાર ન નીકળે જો પોલીસ ગુનો દાખલ કરશે તો તેમની કારકિર્દીને ભારે અસર થશે. ભવિષ્યમાં નોકરી લેવામાં કે ઉચ્ચ અભ્યાસમાં ગુનાહિત ઈતિહાસ અભ્યાસ માટે બાધક બની શકે છે. જો વિદેશ જવું હોય તો પાસપોર્ટમાં પણ મુશ્કેલી પડી શકે છે. જેથી કારણ વિના બહાર નીકળવું નહીં. લોકડાઉન હોવા છતાં કામ વિના બહાર લટાર મારવા નીકળેલા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
વધુ વાંચો





















