(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Tauktae: નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ, જલાલપોરમાં ભારે પવન સાથે વરસાદ
નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ ચૂકી ચુકી છે. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા, ટાવર રોડ, મંકોડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો
નવસારી: તૌકતે વાવાઝોડુ તિવ્ર બન્યું છે. વાવાઝોડુ (Cyclone) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં પહોંચવાનું અનુમાન છે. ત્યારે નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ થઈ ગઈ છે. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા ટાવર રોડ મંકોડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. જ્યારે જલાલપોર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ.
બીજી તરફ વલસાડના પારડી માં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે. હાલ ધીમી ધારે અને ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. આ સિવાય સુરતના સચિન વિસ્તાર અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ શરુ થયો છે.
વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.