Crime: પોલીસના મારથી યુવકના મોતનો મામલો, ટોળાએ પોલીસ સ્ટેશને મૃતદેહ મુકી હોબાળો મચાવ્યો
દાહોદમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના દિવાળીની તહેવારોમાં સામે આવી છે, અહીં એક યુવાનનું પોલીસના મારથી મોત થયાનો દાવો કરાઇ રહ્યો છે
Dahod Crime News: દાહોદમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના દિવાળીની તહેવારોમાં સામે આવી છે, અહીં એક યુવાનનું પોલીસના મારથી મોત થયાનો દાવો કરાઇ રહ્યો છે, આ દાવો મૃતકના પરિવારજનો કરી રહ્યાં છે, આ ઘટના દાહોદના ચોસલા હાઇવે નજીક ઘટી હતી, જ્યાં યુવાનને પોલીસે માર માર્યો બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું કહેવાઇ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, દાહોદમાં મોતની ઘટનાને લઇને પોલીસ અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થઇ છે. ખરેખરમાં મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, દાહોદના ચોસલા હાઇવે નજીક પોલીસના મારથી યુવકનું મૃત્યુ થયુ છે. ઘટના એવી છે કે, ચોસલા હાઇવે નજીક પોલીસની એક ટીમ એક યુવાનને દારૂ લઇને જતી વખતે રોકી રહી હતી, આ પછી પોલીસ દારૂ લઇને જઇ રહેલા યુવકને પકડવા માટે પાછળ પડી હતી, પોલીસે ચાલુ ગાડીએ લાકડીઓના ફટકા માર્યા હતા, જેથી આ ઘટનામાં બે યુવકો ઘાયલ થયા હતા, જેમાં સારવાર દરમિયાન એક યુવકનો મોત થઇ ગયુ હતુ. આ મોતની ઘટના બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસના મારથી યુવકનુ મોત થયુ છે, પરિવારજનો અને ટોલાએ દાહોદ રૂપલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને જોરદાર હોબાળો મચાવ્યો હતો, યુવકના મૃતદેહને ત્યાં મુકીને ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો હતો.
દિવાળી ટાણે જૂથ અથડામણ -
સુરતમાં દિવાળીના તહેવારોની વચ્ચે જૂથ અથડામણની ઘટના ઘટી છે, અહીં લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગઇકાલે જૂથ અથડામણ થયુ જેમાં એક જૂથે બીજા જૂથ પર હથિયારથી હૂમલો કરી દીધો હતો, આ સમગ્ર ઘટના જુની અંગત અદાવતના કારણે ઘટી હોવાની સામે આવ્યુ છે, હાલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ગઇકાલે એક જૂથ અથડામણની ઘટનાથી પોલીસ દોડતી થઇ હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં બે જૂથો વચ્ચે એક નજીવી બાબતે જોરદાર મારામારી થઇ હતી, આ પછી સામ-સામે ફરિયાદો દાખલ કરાવાઇ હતી. ખરેખરમાં, આ ઝઘડો જુની અદાવતનો છે, થોડાક સમય પહેલા એક ઝઘડામાં એક વ્યક્તિને પાસાની સજા થઇ હતી, જેનો ખર્ચો માંગતા આ મામલો બિચક્યો હતો.
સુરત લિંબાયતના મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં હબીબ રફીક સૈયદ અને સુલતાન શેખ વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં જૂથ અથડામણ થઇ હતી. આમાં સુલતાન શેખે હબીબ સૈયદ પાસે આવીને કહ્યું હતું કે તેરા ભાઇ કા ઝગડા હુઆ થા, ઉસમે મેરે કો પાસા હુઆ થા. ઉસમે મેરે વકીલ કા બહુત ખર્ચા હો ગયા હૈ, વો પૈસે મેરે કો ચહીએ ?. તો વળી, આ પછી હબીબે આ ખર્ચો તેના ભાઇ જાવેદે આપ્યો હોવાનું કહેતા જ સુલતાન ઉશ્કેરાઇ ગયો હતો, અને તેને ચપ્પૂ કાઢીને હબીબ પર ઘા કર્યુ હતુ, હબીબને ડાબી આંખના ભાગે સુલતાને ચપ્પૂ મારી દીધુ હતુ. આ ઝઘડો વધતા હબીબ અને તેના મિત્રોએ પણ સુલતાન અને તેના મિત્રોને ગાળો આપીને માર માર્યો હતો, આમ ધીમે ધીમે આખો ઝઘડો જૂથ અથડામણમાં પરિણમ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.