DAHOD : સાપ કરડતા 3 વર્ષની બાળકીનું મોત, પરિવારજનોના ડોક્ટર પર સારવારમાં બેદરકારીના આરોપ
Dahod News : દાહોદ નાની ખોરજ ગામે ઘર આંગણે રમતી 3 વર્ષની બાળકીનું સાપ કરડતા મોત થયું હતું.

Dahod : દાહોદ નાની ખોરજ ગામે ઘર આંગણે રમતી 3 વર્ષની બાળકીનું સાપ કરડતા મોત થયું હતું. દાહોદના નાની ખરજ ગામે રહેતા ડામોર પરિવારની ત્રણ વર્ષની દીકરી હિમાંશી ડામોર કે જે પોતાના ઘરના બહાર આંગણમાં રમતી હતી. આ દરમિયાન તેને સાપ કરડતા તેણે બૂમો પાડી હતી અને પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર આવ્યાં હતા. આ બાળકીને પગેલ લોહી નીકળતું હોવાથી તાત્કાલિક ખાનગી વાહન મારફતે દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
ડોક્ટરે સારવારમાં મોડું કર્યાના પરિવારજનોના આરોપ
દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ ડોક્ટર દ્વારા બાળકીની સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે દીકરીનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિવારના લોકોનો આક્ષેપ હતો કે બાળકીને હોસ્પિટલ લાવ્યા બાદ ડોક્ટરને તેને પહેલા પોલીસ કેસ કઢાવવા માટેની વાત કરી હતી અને તેમાં સમય જતા બાળકીનું મોત થયું હતું.આ ઘટનાની જાણ તેઓએ પોલીસને કરતા પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
RMOએ પરિવારજનોના આક્ષેપો નકાર્યા
આ વિષે હોસ્પિટલના RMO રાજીવ ડામોરે કહ્યું કે બાળકીને હોસ્પિટલમાં લાવ્યાં બાદ કેસ કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને કેસ અને મેડીકલ માટે પોલીસને જાણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. મેડિકલી કેસ હોવાથી તેઓના પરિજનોને સમજાવવામાં આવ્યું હતું કે કેસ કાઢી અને પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ કરવાનું હોય તે બાબતની વાત કરી હતી.RMOએ કહ્યું કે ડોક્ટરની કોઈ ભૂલ નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી એડી નોંધવાની કામગીરી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ઘટનાને લઇ વિસ્તારમાં ચકચાર મચી હતી.
રાજ્યમાં ઘટ્યા કોરોના વાયરસના નવા કેસ
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં ગઈકાલે 3 જુલાઈએ ઘટાડો થયો હતો, તો આજે 4 જુલાઈએ બીજા દિવસે પણ નવા કેસોમાં ઘટાડો થયો છે. રાજ્યમાં 30 જૂને 547 નવા કેસ, 1 જુલાઈએ 632 કેસ, 2 જુલાઈએ 580 નવા કેસ નોંધાયા બાદ ગઈકાલે 3 જુલાઈએ નવા કેસ ઘટીને 456 નોંધાયા હતા. જયારે આજે 4 જુલાઈએ રાજ્યમાં કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા છે.





















