રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને કોરોના રસી ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી, જાણો વધુ વિગતો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા 31 જુલાઇએ પૂર્ણ થતી હતી તે હવે 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
GCCI દ્રારા 31 જુલાઇની મર્યાદાને 15 ઓગસ્ટ સુધી લંબાવવા માટે માંગ કરી હતી. સમય મર્યાદા ઓછી પડતી હોવાથી વધુ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી. 50 ટકા ઉપર વેપારીઓનું રસીકરણ (Vaccination) પુરૂ થઇ ગયું હોવાનો અંદાજ છે. શહેરના વેક્સીનેશન સેન્ટરો (Vaccination Center) પર વેપારીઓની ભીડ જોવા મળી રહી હતી.
અગાઉ વેપારીઓ, સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સિન લેવાની સમયમર્યાદા 31 જુલાઈ સુધીની હતી. જોકે ઘણા બધા વેપારીઓ, ફેરિયા તથા નોકરિયાત લોકોને વેક્સિન લેવાની બાકી હોઈ આ સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરાવામાં આવી હતી.
રાજ્યમાં કોરોનાની વેક્સિનનો મર્યાદિત પ્રમાણમાં જથ્થો હોવાના કારણે હજુ પણ ઘણા લોકો વેક્સિન લઈ શક્યા નથી. એવામાં વેપારીઓની ફરિયાદ હતી કે, સેન્ટરના ધક્કા ખાવા છતાં વેક્સિનનો જથ્થો ખુટી રહેતા તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. વેપારીઓને વેક્સિન લેવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે રાજ્ય સરકારે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે.
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી કે હજી ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. અમે તમામ વેપારી એસો.એ આ વેક્સિનેશન ડ્રાઇવને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને કેમ્પ પણ યોજ્યા છે. વેક્સિનના જથ્થાની અછતના કારણે અમે અમારા વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી. જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે તો બાકીના સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને વેકસીન મળી રહે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ 1 ઓગસ્ટથી જો વેપારીઓએ વેક્સિન લીધી નહિ હોય તો તેમને કોઈ વાણિજ્યક પ્રવૃત્તિ કરવા દેવામાં નહીં આવે. જેથી ઘણા વેપારીઓને નુકશાન થઇ શકે છે.