કોરોનાની રસીએ રંગ રાખ્યો, જાણો બે ડોઝ લીધા બાદ રોગપ્રતિકારક શક્તિ કેટલી વધી ગઈ
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે કોવિશિલ્ડ વેક્સીનને રંગ રાખ્યો છે. રસીને લઈ અમદાવાદથી સકારાત્મક સમાચાર આવ્યા છે. રસી ના બે ડોઝ લેનાર ડોક્ટર્સની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે.
અમદાવાદની HCG હોસ્પિટલના 12 તબીબોએ 21 જાન્યુઆરીએ પ્રથમ ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ 58 થયું હતુ. જ્યારે 18 ફેબ્રુઆરીએ બીજો ડોઝ લીધા બાદ એંટીબોડીનું પ્રમાણ 91 થઈ ગયું છે. આમ કોરોના રસી લીધા બાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં સારો એવો વધારો થયો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓ માટે ગત 72 કલાકમાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે મહારાષ્ટ્રમાંથી આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે.
મંગળવારે રાજ્યમાં કોરોના 1730 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા.
દેશમાં 5 કરોડ 31 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે. બુધવારે સાંજે 8 વાગ્યે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 31,855 નવા કેસ નોંધાયા છે અને 95 લોકોનાં મોત થયા છે. જ્યારે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.